સૌથી વધારે વ્યસ્ત કોણ રહે છે? જે લોકોની પાસે કોઈ સુખ સુવિધા ન હોય અને જેમને બધું જ કામ જાતે કરવું પડતું હોય તે લોકો વધારે વ્યસ્ત હોય તેવું અંદાજી શકાય. તેની સામે જે લોકો પાસે કામ કરવા નોકર ચાકર હોય, આવકના અનેક સ્ત્રોત હોય અને કમાવા માટે દસથી બાર કલાક કામ કરવાની આવશ્યકતા ન હોય તેઓ પાસે વધારે સમય પોતાના અને પરિવાર માટે હોય તેવું લોજીક લગાવીએ તો તાર્કિક રીતે તો તે ખરું જ છે. પરંતુ શું વાસ્તવમાં એવું થાય છે?
જે લોકો ઓછું કમાતા હોય અને જેમને ભાગ્યે જ કોઈ અન્ય આવકના સ્ત્રોતો હોય તે લોકો વધારે વ્યસ્ત હોવાને બદલે ઓછા વ્યસ્ત જણાય છે જયારે વધારે સંશાધનો ધરાવતા લોકો અતિશય બીઝી લાઈફ જીવતા હોય તેવું આજના સમાજમાં બની રહ્યું છે. તેનું કારણ શું? તાર્કિક રીતે તો આ તદ્દન અશક્ય વાત છે. જયારે તમારા માટે ચા પણ કોઈ બનાવી લાવે છે, તમારું ઘર પણ કોઈ આવીને સાફ કરી આપે છે, કાર કોઈ ચલાવે છે અને તમારા એકાઉન્ટ પણ કોઈ લખી આપે છે તો તમારે તો એટલો ખાલી સમય હોવો જોઈએ કે તમે આખો દિવસ ટીવી જુઓ, પરિવાર સાથે લોન્ગ લંચ એન્જોય કરો અને રોજ ઇવનિંગમાં મિત્રો સાથે પાર્ટી કરો. આખરે તમારે તો બધા જ કામ માટે કોઈને કહેવાનું હોય છે તો પછી શા માટે તમારો શારીરિક, માનસિક અને સામાજિક સમય બચતો નથી?
જે વાત તાર્કિક રીતે સત્ય હોઈ શકે તે વાત વાસ્તવિક રીતે પણ સત્ય હોવી જ જોઈએ. પરંતુ જીવનમાં સમયની બાબતમાં આ વાત સત્ય ઠરતી નથી. તેનું કારણ કાં તો એ લોકો પોતે જ હોઈ શકે કે જેઓ પોતાના સમય પર નિયંત્રણ રાખતા નથી અથવા તો તેમના સંશાધનો વધવાની સાથે સાથે અપેક્ષાઓ અને જવાબદારીઓ પણ વધી જાય છે અને એટલા માટે તેઓ પોતાના સમયનો ઉપયોગ પોતાના માટે કરવાને બદલે વધારે સંશાધનો મેળવવા માટે અને જે લોકો પોતાનું કામ કરતા હોય તેના પર નિયંત્રણ રાખવા માટે કરે છે. આ ભ્રામક્તા આપણને ક્યારેક આશ્ચર્ય જન્માવે છે અને જે લોકો પોતે એવી પરિસ્થિતિમાં નથી તેમને આ વાત બિનતાર્કિક લાગે તે વાસ્તવિક છે. પરંતુ જે લોકો પોતે સમયની તંગી અનુભવી રહ્યા છે તેઓ માટે પરિસ્થિતિ સ્વીકાર્ય ન હોવા છતાં અનિવાર્ય બની રહે છે.
કેટલાય પુસ્તકો લખાયા છે કે લોકો પોતાનો સમય કેવી રીતે મેનેજ કરી શકે અને કેવી રીતે પોતાના માટે, પરિવાર માટે અને મિત્રો માટે વધારે સમય ફાળવી શકે. પરંતુ આવા પુસ્તકો અને વ્યક્તિગત કોચિંગ છતાંય સમયનો અભાવ રહે જ છે. જે કામ જાતે કરવાની આવશ્યકતા ન હોય તે કામ બીજા પાસે કરાવી લેવા, ડીલિગેટ કરી દેવા તેવા મેનેજમેન્ટના લેશન્સ મોટા ભાગના લોકો જાણતા હોય છે. પરંતુ વાસ્તવમાં કેટલા કામ ડીલિગેટ થઇ શકે છે અને કેટલા જાતે જ કરવા પડે છે તે અગત્યનો પ્રશ્ન છે. ઉપરાંત એ વાતનો નિર્ણય પણ વ્યક્તિએ પોતે જાતે જ કરવાનો હોય છે. જો તેને પોતાને કોન્ફિડન્સ ન હોય તો કોઈ જ કામ તે બીજાના ભરોસે છોડી શકતો નથી. તેને જાતે સુપરવિઝન કાર્ય વિના છૂટકો જ નથી. એટલા માટે એવી સધ્ધર અને મોભાદાર વ્યક્તિઓ પાસે પૂરતા પ્રમાણમાં સંસાધનો હોવા છતાં તેઓ સમયની બાબતમાં ઘણીવાર તંગી અનુભવે છે અને લોન્ગ વર્કિંગ અવર્સનો શિકાર બને છે.
તેને પરિણામે લોકો વધારે સંશાધનો, ધન, મોભો, પોઝિશન વગેરે વગેરે બધું જ ધરાવતા હોવા છતાં અને તેમની પાસે પોતાનું કામ કરવા કેટલાય લોકો અને સવલતો હોવા છતાં પોતાનો સમય આરામથી, હળવાશથી વીતાવતાને બદલે હંમેશા ખેંચાણમાં અને પ્રેશરમાં અનુભવતા હોય છે. તેમની પાસે વધારે સમય હોવાનું અને તેમનું જીવન સરળ હોવાનું માનવું એ મંત્ર એક ભ્રાંતિ જ છે, તર્કદોષ છે.