૨૬મી જાન્યુઆરી આવી રહી છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો. આપણે સ્વતંત્ર તો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ થઇ ગયેલા પરંતુ લોર્ડ માઉન્ટબેટનને આપણે ભારતના ગવર્નર જનરલ તરીકે સ્થાપ્યા અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલી બનાવીને દેશને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કર્યું. તે પહેલા લોર્ડ માઉન્ટબેટન ભારતમાં માર્ચ ૧૯૪૭માં વાઇસ રોય તરીકે આવેલા અને તેમની દેખરેખ હેઠળ ભારતના ભાગલા પડ્યા અને ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ પાકિસ્તાન ભારતમાંથી અલગ પડ્યું અને ૧૫મી ઓગસ્ટના દિવસે ભારત બ્રિટિશ હુકુમતમાંથી આઝાદ થયું અને ગણતંત્ર તરીકે સ્થપાયું.

ભારતમાં ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ લાગુ થયો ત્યારથી તે જ ધારો ભારતના બંધારણ તરીકે અને ભારતનાં બ્રિટિશ તાજ સાથેના સંબંધને નિર્ધારિત કરતો હતો. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ આપણે તે ધારાને હટાવીને ભારતનું પોતાનું બંધારણ અમલી બનાવ્યું અને તેના અનુસાર ભારતને સ્વતંત્ર, લોકશાહી, પ્રજાસતાક રાજ્ય તરીકે સ્થાપ્યું. એ વાત પણ મહત્ત્વની છે કે ભારતનું બંધારણ પહેલા તૈયાર થઇ ગયેલું અને બંધારણ સભાએ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ તેનો સ્વીકાર કરી લીધેલો. પરંતુ ભારતને પ્રજાસતાક જાહેર કરવામાં, પોતાનું બંધારણ અમલી બનાવવામાં બે મહિનાનો વિલંબ કરવામાં આવ્યો તેનું એક અને મુખ્ય કારણ એ હતું કે ૨૬મી જાન્યુઆરીનું આપણી સ્વતંત્રતાની ચળવળમાં અનેરું મહત્ત્વ હતું. ઈ.સ. ૧૯૨૯માં ૨૬મી જાન્યુઆરીના રોજ કોંગ્રેસના અધિવેશનમાં પ્રથમ વખત પૂર્ણ સ્વરાજ માટેનો ઠરાવ પસાર થયેલો. તે પહેલા ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ડોમિનિઅન સ્ટેટસ માટે હતો પરંતુ પછી થી આપણે સ્વતંત્રતા માટે લડત શરુ કરેલી.

ભારત ૨૬મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ૭૨મો પ્રજાસત્તાક દિવસ ઉજવાશે. સંજોગો અનુસાર આ દિવસે યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોહન્સન ભારતના મુખ્ય અતિથિ બનવાના હતા પરંતુ યુકેમાં ફેલાયેલી કોરોનાની સ્થિતિને કારણે તેમને આ નિમંત્રણનો સ્વીકાર કરી લીધો હોવા છતાં જવાનું ટાળવું પડ્યું.

પ્રજાસત્તાક રાજ્ય હોવાનો અર્થ એ થાય કે તેના સર્વોચ્ચ અધિકારી – ભારતના કિસ્સામાં રાષ્ટ્રપતિ – પ્રજા દ્વારા ચૂંટાયેલા હોય. યુકેમાં સર્વોચ્ચ સત્તા ધરાવનાર કવિન – મહારાણી – પ્રજા દ્વારા ચૂંટાતા નથી એટલે બ્રિટન પ્રજાસતાક નથી, રિપબ્લિક નથી, પરંતુ રાજાશાહી છે, મોનાર્કી છે. જો કે બ્રિટનમાં અને ભારતમાં બંને જગ્યાએ સરકાર તો પ્રજા દ્વારા જ ચૂંટાય છે. એટલે કે વડાપ્રધાન તો પ્રજા દ્વારા જ ચૂંટાય છે એટલે બંને દેશ લોકશાહી તો છે જ.

રાજ્યવ્યવસ્થાની ચર્ચામાં ઉતાર્યા છીએ તો એ પણ સમજી લઈએ કે ભારત અને યુકે વચ્ચે એક બીજો મહત્ત્વનો તફાવત એ છે કે ભારતનું બંધારણ લેખિત છે જયારે યુકે અલિખિત બંધારણથી ચાલે છે. ભારત ફેડરલ – સમવાયી રાજ્ય છે જ્યાં દરેક રાજ્યને પોતાની સત્તા હોય છે અને કેન્દ્રને પોતાની અલગ સત્તા હોય છે. આ સત્તાઓ બંધારણ દ્વારા સ્પષ્ટપણે વહેંચી દેવામાં આવે છે જેથી કેન્દ્ર અને રાજ્ય એકબીજાની સત્તાઓ પર તરાપ ન મારે. યુકેમાં એવું નથી. યુકે યુનીટરી પ્રકારની વ્યવસ્થા ધરાવે છે જ્યાં કેન્દ્ર પાસે જ બધા પાવર હોય છે. રાજ્યને પોતાની સત્તા અલગ મળતી નથી. ભારતમાં વિવિધતા હોવાને કારણે અને જનસંખ્યા તથા વિસ્તારની દ્રષ્ટિએ મોટું હોવાને કારણે ફેડરલ રાજ્યવ્યવસ્થા પસંદ કરવામાં આવેલી.

આ સાથે ભારતના ૭૨માં પ્રજાસત્તાક દિવસની સૌને શુભેચ્છાઓ.

Don’t miss new articles