તમને ગુસ્સો શા માટે આવે છે? આવો પ્રશ્ન બીજા તો ક્યારેક તમને પૂછે પરંતુ તમે ક્યારેય પોતાની જાતને આ પ્રશ્ન પૂછ્યો છે? શું ગુસ્સો આવવો જરૂરી છે? તેનાથી માત્ર નુકશાન જ થાય છે કે તે ફાયદાકારક પણ સાબિત થઇ શકે? શું માણસે ગુસ્સાનો સદંતર ત્યાગ કરવો જોઈએ કે નિયંત્રિત મિજાજ અનુસાર આવશ્યકતા અનુસાર ગુસ્સો કરતા શીખવું જોઈએ? આવા પ્રશ્નો જો તમે પોતાની જાતને પૂછો તો પોતાના સ્વભાવને સમજવામાં ઘણી મદદ મળી શકે. એટલું જ નહિ, સ્વભાવમાં શું પરિવર્તન કરવું આવશ્યક છે તે પણ સમજાય. આજે આપણે ગુસ્સા અંગે થોડું વિશ્લેષણ કરીએ.
તમને શું ગુસ્સો અપાવે છે તે પ્રશ્ન સૌથી અગત્યનો છે. કોઈ વસ્તુ તેના ઠેકાણે ન પડી હોય તો ઓફિસમાં કે ઘરમાં ગુસ્સો કરનારા લોકો ઘણા હોય છે. સમયસર ચા ન મળે તો પણ ઘણા લોકોનું મગજ છટકે છે. ખાવામાં મીઠું ઓછું થઇ જાય તો ઘરમાં ત્રાહિમામ કરનારા લોકોની પણ કમી નથી. બાળક ઘર ગંદુ કરે તો માતા ગુસ્સે થઇ જતી હોય છે અને ઓફિસમાં બોસ તેમના સ્ટાફ પર વારેવારે ક્રોધિત થતા હોય છે. આ તો થઇ સામાન્ય જીવનની અને સામાન્ય જનની વાત. પરંતુ ઘણા લોકો આવી સામાન્યતામાંથી ઉપર ઊઠી ગયા હોય છે અને તેમને નાની નાની બાબતો પર ગુસ્સો નથી આવતો. તેમને માત્ર કોઈ મોટું નુકશાન કરે, તેમની સામે ખોટું બોલે, છુપાવવાની કોશિશ કરે કે પછી દગેબાજી કરે તો જ ગુસ્સો આવતો હોય છે. આ પૈકી તમે ક્યાં છો? તમને કઈ બાબતે અને કેવી સ્થિતિમાં ગુસ્સો આવે છે તે અંગે વિચાર કરી જુઓ.
બીજો પ્રશ્ન એ પણ થાય કે શું ગુસ્સો કરવાથી તમને ફાયદો થાય છે કે નુકશાન? ગુસ્સો કરીને તમે કોઈ કામ ઈચ્છા અનુસાર કરી કે કરાવી શકો છો? કે દરવખતે ગુસ્સો કરીને કામ અને તેનું પરિણામ તમારી ઈચ્છા વિરુદ્ધ જ આવે છે? ઓફિસમાં ઉપરી અધિકારી જયારે તેમને અધીનસ્થ કર્મચારીના કામથી સંતુષ્ટ ન હોવાને કારણે ઠપકો આપે તો તેને કારણે કામ સુધરે કે વધારે ખરાબ થાય? શું ગુસ્સા વાળા પોલીસ અધિકારીઓ પણ પોતાના ગુસ્સાને કારણે કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પડતા હોય છે કે પછી એક સખ્ત અધિકારી તરીકેની છાપ બેસાડીને વ્યવસ્થા જાળવવામાં મદદ કરતા હોય છે? આવા તો કેટલાય પ્રશ્નો આપણે પોતાની જાતને પૂછી શકીએ અને વિશ્લેષ કરી શકીયે કે ગુસ્સાનું પરિણામ શું હોય શકે.
કહેવાની જરૂર નથી કે જે વ્યક્તિ પોતાના પર નિયંત્રણ ખોઈ બેસે તે પરિસ્થિતિ પર પણ નિયંત્રણ ખોઈ બેસે છે. તે પછી ગુસ્સાને કારણે હોય કે બીજા કોઈ પ્રકારના આવેગ કે આવેશને કારણે. પોતાની જાત પર નિયંત્રણ રાખવું આવશ્યક છે. ગુસ્સો એટલો પણ ન હોવો જોઈએ કે તમે શું કરો છો તેનું ભાન જ ન હોય, અને ભાન થાય તો પણ તેને બદલવું તમારા હાથમાં ન હોય. એટલા માટે જ પ્રાચીન સમયના જાણીતા ચીની ચિંતક કન્ફ્યુસિયસ કહે છે કે જયારે ગુસ્સો વધારે ત્યારે પરિણામ અંગે વિચારો. આવું કરવાથી કદાચ આપણને સમજાઈ જાય કે ગુસ્સાથી અનિયંત્રિત બનીને કરેલા કાર્યથી કોઈને લાભ થતો નથી. પરંતુ જો ગુસ્સાને એક તરકીબ તરીકે વાપરવામાં આવે અને જરૂર પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે લાભદાયી પણ સાબિત થઇ શકે.
આ સૃષ્ટિમાં જન્મેલ દરેક જીવ ભય, ભૂખ, કામ અને નિંદ્રાને આધીન છે પરંતુ સાથે સાથે દરેક જીવને ક્રોધ, મોહ અને લાલચ પણ સતાવતા હોય છે. ભય, મુખ, કામ અને નિંદ્રામાંથી બહાર આવવું તો શક્ય નથી પરંતુ ક્રોધ, મોહ અને લાલચને આપણે પોતાના વશમાં કરી શકીએ છીએ. વશમાં કર્યા પછી તેનું શું કરવું છે તે પણ આપણા પોતાના હાથમાં જ છે. તો તમારા ગુસ્સા અંગે, તમારા સ્વભાવ અંગે થોડું ચિંતન કરો અને તમે કેટલા ગુસ્સે થાઓ છો, ક્યારે થાઓ છો, શા માટે થાઓ છો અને તેના પર તમારું કેટલું નિયંત્રણ છે એ વિચારી જુઓ.