બ્રિટનની મહારાણી હર મેજેસ્ટી કવિન એલિઝાબેથ દ્વિતીયના પતિ હીઝ રોયલ હાઈનેસ (HRH) પ્રિન્સ ફિલિપ, એડિનબર્ગના ડ્યુકનું ૯મી એપ્રિલ ૨૦૨૧ની સવારે વિન્ડસર કેસલ ખાતે મૃત્યુ થયું. તેમના ૧૦૦માં જન્મદિવસના બે મહિનાની જ વાર હતી. તેઓ બ્રિટીશ ઇતિહાસમાં સૌથી લાંબો સમય સેવા આપતા રાજવી પતિ હતા. આખું બ્રિટન તેમજ કોમન્વેલ્થના કેટલાય દેશોમાં આ સમાચારે શોક ફેલાવ્યો છે અને મહારાણીના પતિ તરીકે તેમનું મૃત્યુ રાજકીય તરીકે જાહેર થયું છે. મૃત્યુનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે રાજમહેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રિન્સ ફિલિપે શાંતિથી છેલ્લા શ્વાસ લીધા. જાન્યુઆરી ૨૦૨૧માં પ્રિન્સ ફિલિપ અને મહા રાણીને વિન્ડસર કેસલના ડોક્ટર દ્વારા કોવીડ-૧૯ની રસી આપવામાં આવી હતી. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પ્રિન્સ ફિલિપને અસ્વસ્થ જણાતા બાદ કિંગ એડવર્ડ સાતમાની હોસ્પિટલમાં “સાવચેતી પગલા” તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રિન્સ ફિલિપનો જન્મ ૧૦મી જૂન ૧૯૨૧માં ગ્રીસમાં થયો હતો પરંતુ તેઓ અઢાર મહિનાના હતા ત્યારે જ તેમના પરિવારનો ગ્રીસમાંથી દેશનિકાલ થયો હતો. ફ્રાંસ, જર્મની અને યુનાઇટેડ કિંગડમમાં શિક્ષિત થયા પછી ૧૮ વર્ષની વયે તેઓ ઈ.સ. ૧૯૩૯ માં રોયલ નેવીમાં જોડાયા. જુલાઈ ૧૯૩૪માં તેઓ પ્રથમ વખત પ્રિન્સેસ એલિઝાબેથના સંપર્કમાં આવ્યા. તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો અને તેમણે તેર-વર્ષીય પ્રિન્સેસ એલિઝાબેથ સાથે પત્રવ્યવહાર કરવાનું શરૂ કર્યું. આ સમયે તેઓ અઢાર વર્ષના હતા.

ઈ.સ. ૧૯૪૬ના ઉનાળામાં પ્રિન્સ ફિલિપે રાજા જ્યોર્જ છઠ્ઠા એટલે કે પ્રિન્સેસ એલિઝાબેથના પિતા પાસે પ્રિંસેસનો હાથ માંગ્યો. રાજા જ્યોર્જ છઠ્ઠાએ જયારે પ્રિન્સેસ એલિઝાબેથ ૨૧ વર્ષ પુરા કરે ત્યારે તેની સાથે લગ્ન કરવાની મંજૂરી આપી. જુલાઈ ૧૯૪૭માં તેમની સગાઈની સત્તાવાર ઘોષણા કરતા પહેલા તેમણે તેમના ગ્રીક અને ડેનિશ ટાઇટલ અને શૈલીઓનો ત્યાગ કર્યો અને તેઓ એક બ્રિટિશ નાગરિક બન્યા. તેમના માતૃ-દાદા-દાદીની અટક માઉન્ટબેટન અપનાવી. તેમણે ૨૦ નવેમ્બર ૧૯૪૭ ના રોજ પ્રિન્સેસ એલિઝાબેથ સાથે લગ્ન કર્યા.

ઈ.સ. ૧૯૫૨ માં એલિઝાબેથ રાણી બન્યા ત્યારે ફિલિપે સક્રિય લશ્કરી સેવા છોડી દીધી. એ સમયે તેઓ કમાન્ડરના પદ પર હતા અને તેમની પત્ની બ્રિટનની મહારાણી બની ત્યારે તેમને ૧૯૫૭ માં બ્રિટિશ રાજકુમારનો દરજ્જો મળ્યો. કેટલાક લોકોને પ્રશ્ન થાય કે તેઓ કિંગ ફિલિપ કેમ ન કહેવાયા? શા માટે તેમને રાજાનો ખિતાબ ન મળ્યો. તેનું કારણ એ છે કે પ્રિન્સ ફિલિપ બ્રિટિશ રાજપરિવારમાંથી નહોતા આવતા. તેઓ લગ્નસંબંધે બંધાઈને બ્રિટનના રાજ પરિવારનો હિસ્સો બન્યા હતા. તે ખરેખર ડેનમાર્ક અને ગ્રીસના ભૂતપૂર્વ રાજકુમાર છે.

પ્રિન્સ ફિલિપને રમતગમતનો ખુબ શોખ હતો. તેઓ ૧૯૭૧ સુધી પોલો રમ્યા. તેમણે કેરેજ ડ્રાઇવિંગમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને તે રમતને પ્રચલિત કરવામાં મોટો ફાળો આપ્યો અને તેના પ્રારંભિક નિયમોના પુસ્તકો પણ તૈયાર કરાવડાવ્યા. તેઓ પાઇલોટ હતા અને તેમનું પહેલું હવાઈ ઉડાન ૧૯૫૨ માં થયું હતું અને પાઇલટ તરીકે 44 વર્ષ પછી, ઓગસ્ટ ૧૯૯૭માં તેમણે ૫૯ જુદા જુદા વિમાનોમાં ૫,૯૮૬ કલાક ઉડ્ડયન કરીને નિવૃત્તિ લીધી. ઈ.સ. ૧૯૫૯માં તેમને ડ્રુઇન ટર્બ્યુલન્ટમાં એકલા ઉડાન ભરી હતી અને તેઓ રાજપરિવારના એકમાત્ર સભ્ય હતા જેમણે એક સીટનું વિમાન ઉડાવ્યું હોય. તેઓને તૈલ ચિત્રો બનાવવાનો પણ શોખ હતો. તેઓ ૧૯૫૨ થી ૨૦૧૧ સુધી રોયલ સોસાયટી ઓફ આર્ટસ આશ્રયદાતા હતા.

મહારાણીના સાથી તરીકે પ્રિન્સ ફિલિપે તેમની પત્નીને સાર્વભૌમ તરીકેની ફરજોમાં ટેકો આપ્યો હતો અને અનેક દેશોમાં રાજકીય વિદેશમાં પ્રવાસના તથા બ્રિટનના રાજકીય કાર્યક્રમોમાં તેની સાથે હતા. પ્રિન્સ ફિલિપ મહારાણી એલિઝાબેથ સાથે ભારત પણ ચાર વખત આવેલા. ઈ.સ. ૧૯૫૯, ૧૯૬૧, ૧૯૮૩ અને ૧૯૯૭માં તેઓ મહારાણી એલિઝાબેથ સાથે ભારતના પ્રવાસે આવેલા. મહારાણી એલિઝાબેથ સાથે પ્રિન્સ ફિલિપના ચાર બાળકો છે: ચાર્લ્સ, પ્રિન્સ ઓફ વેલ્સ; એન, પ્રિન્સેસ રોયલ; પ્રિન્સ એન્ડ્ર્યુ, ડ્યુક ઓફ યોર્ક; અને પ્રિન્સ એડવર્ડ, આર્સેલ ઓફ વેસેક્સ.

Don’t miss new articles