જેમ્સ વિલસન અને જયોર્જ કેલિન્ગ નામના સમાજશાસ્ત્રીઓએ વર્ષ ૧૯૮૨માં ‘બ્રોકન વિન્ડો થીઅરી’ પ્રકાશિત કરી. આ સિદ્ધાંતનો ઉપયોગ ઘણીવાર સામાજિક વ્યવસ્થા અને કાયદાના ક્ષેત્રમાં થાય છે. ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે  પોલીસ દ્વારા પણ આ સિદ્ધાંતનો અમલ થયો છે. બ્રોકન વિન્ડો થીઅરી અનુસાર કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારા લોકો, ખાસ કરીને જાહેર મિલકતની તોડફોડ કરનારા લોકો કોઈ વિસ્તારમાં તૂટેલી બારી જુએ તો બીજી બારીઓ તોડતા અચકાતા નથી. પરંતુ જો તૂટેલી બારીનું જલ્દી સમારકામ કરી દેવામાં આવે તો ફરીથી તોડફોડ કરવા આવે તેની શક્યતા ઘટી જાય છે. બીજી રીતે કહીએ તો જ્યાં નાના ગુનાઓ થઇ રહ્યા હોય ત્યાં મોટા ગુના થવાની શક્યતાઓ પણ વધી જાય છે.

ગંદી શેરીમાં વધારે લોકો કચરો ફેંકે છે. ખાલી પ્લોટ પડ્યો હોય અને તેમાં એક પાડોસી કચરો નાખે તો તેને જોઈને બીજા પડોસીઓ પણ તેવું કરવા પ્રેરાય છે. પરંતુ જો એક પાડોશીએ કચરો નાખ્યો હોય તેને તરત જ સાફ કરી નાખવામાં આવે તો બીજા પડોસીઓ તેવું કરતા નથી. એટલા માટે  શેરીમાં કચરાપેટી મુકવામાં આવે તો લોકો જ્યાં ત્યાં કચરો ફેંકવાને બદલે પંદર ડગલાં ચાલીને તેમાં કચરો ફેંકવા જવાની તસ્દી જરૂર લે છે. સ્વચ્છ અને સારી રીતે જળવાયેલા વિસ્તાર જોઈને લોકો વિચારે છે કે ત્યાંના લોકો અને સત્તાધારીઓ સજાગ અને ચોકન્ના છે માટે ત્યાં કોઈ ગંદકી કરવાની કે ગુનાહિત પ્રવૃતિઓ કરવાની જલ્દી હિમ્મત કરતા નથી. પરંતુ કોઈ વિસ્તારમાં અહીં તહીં કચરો પડ્યો હોય, ગંદકી થયેલી હોય, ઘર અને જાહેર સંપત્તિની જાળવણી સારી રીતે થયેલી ન હોય તો લોકો પણ તેમાં ઉમેરો કરતા અચકાતા નથી.

આ બાબતને આપણે માત્ર જાહેર સંપત્તિ અને મિલકત સુધી જ માર્યાદિત કરવા કરતા માનવ વ્યવહાર સાથે પણ સાંકળી શકીએ. કોઈ ઓફિસમાં કે સંસ્થામાં એકાદ વ્યક્તિનું નબળું વર્તન ચલાવી લેવામાં આવે તો બીજા લોકો પણ તેવું કરવા પ્રેરાય છે તે હકીકતને પણ આપણે બ્રોકન વિન્ડો થીઅરી દ્વારા સમજાવી શકીએ. જે ઓફિસમાં એક કર્મચારી મોડો આવે અને તેને કોઈને ખુલાસો ન કરવો પડે તો તે બીજીવાર પણ એવું કરવા પ્રેરાય છે અને પછી બીજા લોકો પણ તેના વર્તનને અનુસરીને સમયની પાબંદીમાં ઢીલ વર્તવાનું શરુ કરે. આ રીતે એક વ્યક્તિનું અશિસ્ત ધીમે ધીમે બીજા લોકોના અનુશાષનને પણ બગાડે તેવું આપણે ઘણીવાર જોઈએ છીએ. કહેવાય છે ને કે એક માછલી પુરા તળાવને ગંદુ કરી શકે છે.

બાળકોના પાલનપોષણમાં અને શિક્ષણમાં પણ આ બાબત લાગુ પડે છે એટલા માટે માતા-પિતા અને શિક્ષકો તેના અંગે જાગૃકતા કેળવે તે પણ આવશ્યક છે. બાળક એક વખત ચોરી કરે અને સરળતાથી નીકળી જાય તો બીજીવાર પણ ડર વિના પુનરાવર્તિત કરવા પ્રેરાય છે. તેને જોઈને બીજા બાળકો પણ કદાચ આવી આદતનો શિકાર બની શકે. શાળામાં એકવાર ગૃહકાર્ય કર્યા વિના જનાર બાળક બીજા બાળકોને પણ ગૃહકાર્યમાં આળસ કરવાનું ઉદાહરણ પૂરું પાડે છે તે દેખીતું છે.

એકંદરે વાત શિષ્ટાચાર કે સ્વચ્છતાની હોય, કે પછી સમાજવ્યવસ્થા કે કાયદોવ્યવસ્થાની હોય, બ્રોકન વિન્ડો થીઅરી તેને સમજાવવામાં મદદરૂપ તો બને જ છે પરંતુ આપણા માટે તેમાંથી ઘણું શીખવા જેવું પણ છે કે એક બારી તૂટે તો તેને જલ્દી રીપેર કરી લેવી ફાયદાકારક છે. તેમાં વિલંબ થાય તો બીજી બારીઓ પણ તૂટવાની શક્યતા રહે છે. આપણા વર્તનમાં કે આદતમાં પણ એકવાર ઢીલાશ આવે તો તરત જ તેને સુધારી લેવું આવશ્યક છે નહીંતર વર્તન વધારે ખરાબ થવાની સંભાવના વધે છે. એક જગ્યાએ થોડો કચરો પડ્યો હોય તો તેને હટાવવો, સાફ કરવો આસાન છે પરંતુ તેવું ન કરીએ તો તેને પરિણામે વધારે ફેંકાતો કચરો પછીથી સાફ કરવામાં ખર્ચ અને પરિશ્રમ વધી જતા હોય છે. ખર્ચ અને વ્યવસ્થાની બાબતમાં કોઈપણ ક્ષેત્રે ઈચ્છીત વ્યવસ્થામાં થોડી પણ કચાસ જોવા મળે તો તેની સમયસર કાળજી લેવાથી મોટું નુકસાન થતું રોકી શકાય. ડેમમાં એક તિરાડ પડે તેની સમયસર મરમ્મત કરી લેવાથી મોટું પૂર આવતું અટકાવી શકાય. આપણા અંગત જીવન, વ્યવહાર અને આદતમાં પણ આ બાબતને ધ્યાનમાં રાખીને શક્ય હોય તો સમસ્યા નાની હોય ત્યારે જ તેનો નિકાલ કરી લેવાનું વલણ કેળવવું જોઈએ.