કેન્યાના કેલ્વિન કિપતુમે ગયા રવિવારે ટીસીએસ લંડન મેરેથોન જીતી. આ મેરેથોન જીતીને ૨૩ વર્ષીય કિપતુમ વિશ્વનો બીજા નંબરનો સૌથી ઝડપી દોડવીર બન્યો છે. તેણે ટીસીએસ લંડન મેરેથોન ૨:૦૧:૨૫ એટલે કે બે કલાક, એક મિનિટ અને પચીસ સેકન્ડમાં પુરી કરી. તે આજ સુધીના વિશ્વવિક્રમ કરતા માત્ર ૧૭ સેકન્ડ વધારે સમય છે. વિશ્વનો સૌથી ઝડપી દોડવીર કોણ છે? તે પણ કેન્યાનો જ વિશ્વ ચેમ્પિયન એલ્યૂડ કિપચોગે છે. કિપચોગેએ ૨૦૨૨માં બર્લિન મેરેથોન ૨:૦૧:૦૯ સમયમાં એટલે કે બે કલાક, એક મિનિટ અને નવ સેકન્ડમાં પુરી કરેલી. આ મેરેથોનમાં કેલ્વિનના શાનદાર પરફોર્મન્સથી એથ્લેટિક્સના ચાહકોમાં વાત ફેલાવા લાગી છે કે શું કેલ્વિન ભવિષ્યમાં કિપચોગે ૨.૦ બનશે? શું તેનું પરફોર્મન્સ કિપચોગે જેટલું સારું અને સાતત્યવાળું રહેશે?

લંડનની આ મેરેથોનમાં કેળવીને ન માત્ર તેના પ્રતિસ્પર્ધી કરતા રેસ ૩ મિનિટ ૩૪ સેકન્ડ વહેલી પુરી કરી પરંતુ એલ્યૂડ કિપચોગેનો લંડન મેરેથોન ૨૦૧૯નો રેકોર્ડ પણ તોડ્યો. જો કે તે કિપચોગેના વિશ્વવિક્રમને ૧૭ સેકન્ડથી ચુકી ગયો. કેલ્વિન પછી બીજા નંબરે આવનાર દોડવીર જીઓફ્રી કામવોરોર ન્યુયોર્ક મેરેથોન બે વખત જીતી ચુક્યો છે પરંતુ કેલ્વિન કરતા તે ઘણો પાછળ રહી ગયો હતો. કેલ્વિનના શાનદાર પ્રદર્શનમાં એક બીજું મહત્ત્વનું પાસું એ હતું કે તેણે મેરેથોનનો બીજો હિસ્સો – બીજી હાલ્ફ મેરેથોન માત્ર ૫૯ મિનિટ અને ૪૫ સેકન્ડમાં પુરી કરી અને એ રીતે પૂર્ણ મેરેથોનનો બીજો હિસ્સો સૌથી ઝડપથી પુરી કરવાનો પણ રેકોર્ડ બનાવ્યો. ઉપરાંત કિપતુમે ગયા વર્ષે વેલેન્સિયા મેરેથનમાં ગયા વર્ષે પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેણે ન માત્ર એ મેરેથોન જીતી લીધી પરંતુ પ્રથમ મેરેથોનમાં સૌથી ઝડપી પ્રદર્શન કરવા માટેનો વિક્રમ પણ નોંધાવ્યો.

દોડવીરોએ કેન્યાની હંમેશા ગૌરવ અપાવ્યું છે અને અત્યારે વિશ્વ ચેમ્પિયન એલ્યૂડ કિપચોગે વિશ્વશિરોમણી દોડવીર તરીકે સર્વસ્વીકૃત સ્થાન ધરાવે છે પરંતુ આ ૩૮ વર્ષીય દોડવીર નિવૃત થશે પછી તેની પરંપરાને આગળ વધારવા માટે કેન્યાની સારા દોડવીરની આવશ્યકતા છે અને તે હવે કેલ્વિન કિપતુમ પુરી કરે તેવું લાગી રહ્યું છે. જો કે હજુ માત્ર ૨૦૨૨માં જ કિપચોગેએ ૨:૦૧:૦૯નો મેરેથોનનો વિશ્વવિક્રમ બર્લિનમાં સ્થાપ્યો છે એટલે આટલી જલ્દી તેનું પરફોર્મન્સ નીચે આવે તેવું કહેવાનો કોઈ આશય નથી. પરંતુ વિશ્વના રમતગમત પ્રસંશકોની નજર પણ હવે કેલ્વિન કિપતુમ પર છે અને તેની પાસેથી લોકોને સારી એવી અપેક્ષા છે. પ્રથમ મેરેથોનથી જ તેણે એવું સારું પ્રદર્શન કર્યું છે કે લોકોની આંખો અને આશા તેના પર સ્થિત થઇ છે. હજુ તે ૨૩ વર્ષનો છે અને તેની સામે લાંબી કારકિર્દી બાકી છે. જો તેના પરફોર્મન્સમાં સાતત્ય જળવાઈ રહેશે તો તે અનેક વિક્રમ પોતાના નામે નોંધાવશે તે વાતમાં કોઈ શંકા નથી.

એક બીજી યાદ કરવા જેવી વાત એ પણ છે કે કિપચોગે એકમાત્ર એથ્લીટ છે જેણે અનધિકૃત મેરેથોન બે કલાકથી ઓછા સમયમાં પુરી કરી હતી અને તે માનવ ઇતિહાસનો બે કલાકથી ઓછા સમયમાં મેરેથોન અંતર દોડનાર એકમાત્ર વ્યક્તિ બન્યો છે. હવે ધીમે ધીમે અધિકૃત મેરેથોનમાં પણ કુલ સમય ધીમે ધીમે ૨ કલાકની ખુબ નજીક પહોંચી રહ્યો છે એટલા માટે થોડા સમયબાદ કોઇ દોડવીર બેકલાક્થી ઓછા સમયમાં મેરેથોન દોડવાનો વિશ્વવિક્રમ સ્થાપે તો તેમાં પણ નવાઈ નહીં. ઉપરાંત, આ દોડવીર જો કેન્યન હોય તો તેમાં પણ કોઈને આશ્ચર્ય નહીં થાય. લોકોની અત્યારે અપેક્ષા કિપચોગે પાસે છે અને ભવિષ્યમાં આ અપેક્ષા કેલ્વિન કિપતુમ પાસે હશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

કેન્યાની ધરતીએ સારા સારા દોડવીર ઉપજાવ્યા છે અને વિશ્વના નકશામાં પોતાનું ગૌરવવંતુ સ્થાન જાળવી રાખ્યું છે. આ પરંપરા જળવાઈ રહેશે તેવી આશા રાખીએ.

Don’t miss new articles