લંડનમાં શિયાળાની શરૂઆત થઇ રહી છે અને ઠંડી વધી રહી છે. દિવસો ટૂંકા અને રાત લાંબી થવા લાગી છે. સાંજે પાંચેક વાગ્યા સુધીમાં અંધારું થઇ જાય છે. બ્લેક ફ્રાઈડેના ડિસ્કાઉન્ટ સેલ માર્કેટમાં આવી ગયા છે તથા ભારતની કોવીશીલ્ડ અને કોવેક્સિન રસીને માન્યતા મળતાં હવે લોકોને ક્વોરેન્ટાઇન ન કરવું પડતું હોવાથી ધીમે ધીમે ફરવા આવનારા લોકોની સંખ્યા પણ વધવા લાગી છે. આ બધું યુકેની ઇકોનોમીને ફાયદો કરાવી રહ્યું છે અને લોકો બહાર નીકળે, ફરવા જાય, ખાવા-પીવા રેસ્ટોરન્ટમાં જાય, વસ્તુઓ ખરીદે અને કોઈ રીતે અર્થવ્યવસ્થામાં જરૂરી ઇંધણરૂપ નાણાં ખર્ચે તેવું સરકાર પણ ઈચ્છી રહી છે. અહીં ફુગાવો વધી રહ્યો છે અને તે ચાર ટકાને પાર કરી ગયો છે જેનું એક કારણ સરકારે લોકોને અને બિઝનેસને છૂટથી પૈસા આપ્યા છે તે અને લોકોએ કરેલી બચતને ખર્ચવા તેઓ બહાર બજારમાં આવી રહ્યા છે તે બંને કારણો જવાબદાર છે.

ક્રિસ્મસની તૈયારીમાં શેરીઓ શણગારાઈ ગઈ છે. ઓક્સફર્ડ સ્ટ્રીટ, રિજેન્ટ સ્ટ્રીટ, કોવેન્ટ ગાર્ડન વગેરે લંડનના જાણીતા વિસ્તારોમાં લાઇટિંગ થયા છે. વૃક્ષોના પાંદડા ધીમે ધીમે પીળા અને પછી લાલ થઈને ખરવા લાગ્યા છે અને થોડા સમયમાં વૃક્ષો ઠૂંઠા થઈને લંગોટમાં તપસ્યા કરી રહેલા જોગી જેવા દેખાવા માંડશે. બરફ પાડવાની આગાહી પણ થાય છે પરંતુ સામાન્યરીતે લંડનમાં બરફ બહુ ઓછો પડે છે. ગયા વર્ષે એક-બે વખત જ બરફવર્ષા થયેલી અને ત્યારે લોકો બહાર સ્નોફોલની મજા માણવા નીકળી પડ્યા હતા. આ વર્ષે પણ સ્નોફોલ થાય તેની રાહ જોવાઈ રહી છે. યુકેના ઉત્તરી ભાગમાં વધારે ઠંડી હોય છે અને ત્યાં બરફ વધારે પડે છે. સ્કોટલેન્ડમાં તો ખુબ જ વધારે બરફ હોય છે અને ત્યાં હાઇલૅન્ડ તરીકે ઓળખાતા પહાડી વિસ્તારમાં બર્ફાચ્છાદાન હંમેશા રહે છે.

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષની ક્રિસ્મસ અલગ છે કેમ કે ગયા વર્ષે ડિસેમ્બરની શરૂઆત થતા જ લોકડાઉન લગાવી દેવામાં આવેલું અને તેને પરિણામે લોકો ક્રિસ્મસ પર પોતાના પરિવારના લોકોને પણ મળવા નહોતા જઈ શકેલા. અહીં યુવાન બાળકો અને માતા-પિતા અલગ રહેતા હોવાથી તેઓ પોતાના માતા-પિતા સાથે પણ ક્રિસ્મસ ઉજવવા સદ્ભાગી થયા નહોતા. આ વર્ષે પણ કોરોનાના કેસ તો વચ્ચે બહુ વધી રહેલા પરંતુ હમણાં હમણાં થોડા ઘટ્યા છે અને જે લોકોને રસીના બંને ડોઝ માલ્યાને ૬ મહિના થઇ ગયા હોય તેમને હવે બુસ્ટર ડોઝ એટલે કે ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. તેનાથી લોકોમાં રોગપ્રતીકારકતા વધશે. ઉપરાંત થોડા સમય પહેલા રોજના પચાસેક હજાર જેટલા કોવીડના કેસ આવ્યા હોવાથી કેટલાય લોકોને ઇમ્યુનીટી આવી ગઈ હશે. આ બંને કારણોથી હવે ફરીથી દૈનિક કોવીડ કેસોની સંખ્યા ઘટી રહી છે અને લોકોને આશા છે કે આ વર્ષે તો ક્રિસ્મસ ખુબ ધામધૂમથી ઉજવવા મળશે. અત્યારે તો લોકો માટે માસ્ક પહેરવાની પણ ફરજ નથી એટલે લોકો મુક્ત રીતે ફરે છે, ફિલ્મો જોઈ શકે છે, થિએટરમાં નાટકો જોવા જઈ રહ્યા છે તથા સંગીતના મોટા મોટા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં હજારોની સંખ્યામાં લોકો જાય છે. ક્રિકેટ અને ફૂટબોલના મેચ પણ યોજાઈ રહ્યા છે. આ રીતે જ લોકો નિર્ભીક રીતે ફરતા રહે અને રસીકરણ તથા રોગપ્રતિકારકતાની અસરથી કોવીડ નિયંત્રણમાં રહે તો અહીંની સરકારે અને પ્રજાએ મોટી જંગ જીતી લીધી કહેવાય. જે સમયે યુરોપના કેટલાય દેશો ફરીથી લોકડાઉન લગાવી રહ્યા છે ત્યારે યુકેમાં પ્રવર્તમાન છૂટછાટ ખરેખર જ પ્રસંશનીય કહેવાય. થોડી સમજદારી અને સંયમથી આ સ્થિતિ જાળવી શકાય તેમ છે અને કોવીડ સાથે પણ સામાન્ય જનજીવન ચલાવી શકાય તેવું યુકે પુરવાર કરી રહ્યું છે.

Don’t miss new articles