દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ફાઇનાન્સિયલ ટાઈમ્સ સમાચારપત્રની સાપ્તાહિક મેગેઝીન દ્વારા એક સિરીઝ વર્ષ દરમિયાન સૌથી પ્રભાવશાળી રહેલ મહિલાઓને સમર્પિત કરવામાં આવે છે. આ વર્ષના ગ્લોબલ પાન્ડેમિકના સમયમાં ‘વિમન ઓફ ૨૦૨૦’ સિરીઝમાં ફાઇનાન્સિયલ ટાઇમ્સે તેના વાંચકોને પ્રતિભાવ અને સૂચન આપવા કહેલું અને તેમના તરફથી મળેલા સૂચનો પૈકી ૧૨ મહિલાઓને ફીચર કરવામાં આવી છે.
જેસીન્દ્રા અર્ડર્ન, ન્યૂઝીલેન્ડની પ્રાઈમ મિનિસ્ટરને તેની સહાનુભૂતિપૂર્ણ નૈતૃત્વશૈલી માટે નામાંકિત કરવામાં આવી છે. જુલાઈ ૧૯૮૦માં જન્મેલી જેસીન્દ્રા ઓક્ટોબર ૨૦૧૭થી ન્યૂઝીલેન્ડની લેબર પાર્ટી સરકાર તરફથી પ્રધાનમંત્રીના પદ પર છે. જયારે તેણે પદગ્રહણ કર્યું ત્યારે તે સરકારના ટોંચના પદ પર બેસનાર વિશ્વભરની સૌથી યુવાન મહિલા પણ બની હતી. ઉપરાંત તેની સરકાર દરમિયાન જ તેણે બાળકને જન્મ પણ આપ્યો છે અને સત્તારૂઢ પ્રધાનમંત્રી મહિલા દ્વારા બેનઝીર ભુટ્ટો બાદ બાળકને જન્મ આપનાર તે બીજી મહિલા છે. ૨૧મી જૂન ૨૦૧૮ના રોજ તેણે પુત્રીને જન્મ આપેલો. પાન્ડેમિકના સમય દરમિયાન તેનું નૈતૃત્વ વિશ્વભરમાં ખુબ વખણાયું છે.
ઓઝલેમ તૂરેસિ તુર્કીશ મૂળની જર્મન ઇમ્યુનોલોજીસ્ટ એટલે કે રોગપ્રતિકારકતાની નિષ્ણાત છે. તે બાયો-એન-ટેક કંપનીની સહ-સ્થાપક અને ચીફ મેડિકલ ઓફિસર છે. ફાઇઝર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાની રસી વિકસાવવામાં ઓઝલેમ અને તેના પતિ ઉગુર શાહિનનો સંયુક્ત પ્રયાસ રહ્યો છે. ફાઇઝર સાથે મળીને આ દંપતીએ ૯૦% થી વધારે અસરકારક કોરોના રસી તૈયાર કરી છે અને તેણે યુનાઇટેડ કિંગડમ દ્વારા અધિકૃત સ્વીકૃતિ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ઓઝલેમને કેન્સર ઇમ્યુનોથેરાપીમાં પણ અગ્રણી માનવામાં આવે છે. વિશ્વભરમાં જયારે કોરોનાને કારણે જીવન અને આર્થિક નુકશાન થઇ રહ્યું છે ત્યારે આશાનું કિરણ આપવા માટે ઓઝલમને આ વર્ષની પ્રભાવશાળી મહિલામાં સ્થાન મળ્યું છે.
કમલા હેરિસ અમેરિકામાં પ્રથમ મહિલા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવી છે અને તે ભારતીય મૂળની છે. આ પહેલા અમેરિકામાં જસ્ટિસ ડીપાર્ટમેન્ટ ચલાવીને પણ તેણે પ્રસંશા હાંસલ કરેલી. શ્યામલા ગોપાલન (માતા) અને ડોનાલ્ડ હેરિસ (પિતા)ની પુત્રી કમલા ભારત અને આફ્રિકામાં પોતાના મૂળ ધરાવે છે. શ્યામલા ગોપાલન અંગ્રેજોના સમયના ભારતના તામિલનાડુના એક ગામમાં રહેતી હતી. આજે કમલા હેરિસ અમેરિકાના ઇતિહાસમાં મહિલાઓમાં સર્વોચ્ચ સ્થાને પહોંચી છે.
સ્વેત્લાના ટીખનોવસકયા બેલારુસની રાજકારણી છે અને ત્યાંના પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં જયારે અત્યારના પ્રેસિડેન્ટની વિરુદ્ધમાં દાવેદારી કરનારા ત્રણ ઉમેદવારોને જેલ કરવામાં આવેલી ત્યારે તે પૈકી એકની પત્ની સ્વેત્લાનાને ચૂંટણી લડવાની મંજૂરી મળેલી. તેણીએ બીજી બે મહિલા ઉમેદવારો સાથે મળીને પોતાનું કેમપેઇન શરુ કરેલું અને ત્યાંના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધેલો. સપ્ટેમ્બર ૧૯૮૨માં જન્મેલી સ્વેત્લાના ચૂંટણીમાં વિજયી ન થઇ શકી પરંતુ બેલારુસમાં ચૂંટણીના પરિણામો અંગે વિવાદ પણ થયેલો. બેલારુસના ચૂંટણીપંચે જાહેર કરેલા પરિણામ અનુસાર સ્વેત્લાનાને ૧૦.૧૨% મત મળેલા પરંતુ સ્વેત્લાનાનું કહેવું છે કે તેને ૬૦-૭૦% મત મળેલા. તેને પશ્ચિમી દેશોને મદદ માટે અપીલ કરેલી અને તેનાથી બેલારુસની ચૂંટણી વિરુદ્ધ પ્રદર્શનો કેટલાય પશ્ચિમી દેશોમાં થયેલા જેમાં સ્વેત્લાનાનું સમર્થન થયેલું. ચૂંટણી જીતી હોય કે નહિ પરંતુ એક પાવરફુલ મહિલા તરીકે સામે આવવા માટે પશ્ચિમી દેશોએ તેને આ વર્ષની એક શક્તિશાળી મહિલા તરીકે ગણાવી છે.
આ વર્ષ મુશ્કેલ તો બધા માટે રહ્યું છે અને તેમાં આર્થિક, સામાજિક અને વ્યક્તિગત મુશ્કેલીઓ પણ લોકોને ભોગવવી પડી છે. દરેક દેશની સરકાર સામે કોરોનાઅને કારણે ઉભા થયેલા પડકારો ઉપરાંત બીજી કેટલીય ચુનૌતીઓ પણ હતી અને તેમાંથી સૌએ પોતપોતાની રીતે માર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો. તે પૈકી ધ ગાર્ડિઅન સમાચારપત્ર દ્વારા કરેલા એક અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું છે કે મહિલાઓના નૈતૃત્વવાળી સરકાર જ્યાં હતી ત્યાં કોરોના સામેની લડાઈ વધારે પ્રભાવશાળી રહી છે. આ વાતને તદ્દન જનરલાઈઝ ન કરી શકાય પરંતુ જર્મની, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ વગેરેમાં પરિણામ સારા જોવા મળ્યા છે. પુરુષ નેતાઓનું શાસન સારું નથી તેવું કહેવાનો કોઈ ઈરાદો નથી પરંતુ કોવિડની સ્થિતિમાં મહિલાઓએ સહાનુભૂતિ અને કરુણાપૂર્ણ નિર્ણયો કરીને વધારે લોકોના જીવ ન જાય તેનું ધ્યાન રાખ્યું છે તેવું તરણ આ આર્ટિકલનું છે.
આ વર્ષ દરમિયાન બીજી પણ કેટલીય મહિલાઓએ ખુબ નોંધપાત્ર પ્રદાન કરીને વિશ્વને સકારાત્મક રીતે પ્રભાવિત કર્યું છે અને તેના અંગે કેટલીય યાદીઓ બની છે. ભારતની પણ કેટલીક મહિલાઓ આ પૈકીની કેટલીક યાદીમાં શામેલ છે જેમાં બાયોકોનની સીઇઓ કિરણ મઝુમદાર શોનું નામ પણ છે કારણકે કોરોનાની રસી બનાવવામાં તેની કંપની પણ રેસમાં છે.