ક્યારેક આપણે કોઈ મિત્રને કહેવું પણ પડે કે આપ તો ઐસે ના થે ! આ વાક્ય ક્યારેક હતાશામાં તો ક્યારેક આશ્ચર્યમાં કહેવાતું હોય છે. કોઈ મિત્ર કે જે બાળપણથી જ શરમાળ હોય, જે શાળા અને કોલેજ સમયમાં છોકરીઓથી શરમાતો હોય અને પછી તમે સૌ કામ-ધંધે લાગો ત્યારે અચાનક બે વર્ષમાં કોઈ સુપર મોડેલ જેવી છોકરીને લાવીને તમારી સામે ઉભી રાખે કે આ છે મારી પ્રેમિકા. તો તમે કહોને કે આપ તો ઐસે ન થે! તેવી જ રીતે કોઈ વ્યક્તિ કે જે ખુબ જ પ્રામાણિક હોય, ક્યારેય હિસાબમાં કચાસ ન રાખે, સૌનો રૂપિયે રૂપિયો બરાબર સાચવીને પાછો આપે તે માણસ જો કોઈને છેતરે ત્યારે આપણે કહીએ કે આપ તો ઐસે ના થે.

આ ‘આપ તો ઐસે ના થે’ અનેક પરિસ્થિતિમાં ઉપયોગમાં આવે તેવું વાક્ય છે જે ફિલ્મો દ્વારા ખુબ પ્રસિદ્ધ બનાવાયું છે પરંતુ આપણા રોજબરોજના જીવનમાં પણ અણધારી સ્થિતિ કે સંજોગો સમયે ઉપયોગમાં લેવાતો ખુબ મર્મયુક્ત ઉદ્ગાર છે. આ વાક્યનો ઉપયોગ જ દર્શાવે છે કે વ્યક્તિઓ અને પરિસ્થિતિ જીવનમાં કેવી કેવી રીતે બદલાઈ શકે. ક્યારેય ધાર્યું પણ ના હોય તેવી રીતે વ્યક્તિઓ પોતાનો સ્વભાવ અને વર્તન બદલતા હોય છે. કોઈ માણસ કે જેની સાથે આપણે ખુબ નજીકના સંબંધ હોય, ખુબ સારી મિત્રતા હોય અને રોજ સાથે ઉઠવા બેસવાનો નાતો હોય તેની પાસેથી આપણને હંમેશા મિત્રતા, લાગણી અને આદરની જ ઉમ્મીદ હોય છે. પરંતુ અચાનક તે ધનવાન બની જાય કે મોટી પદવી પ્રાપ્ત કરે ત્યારે આપણે તેને બોલાવીએ અને તે આપણને ઓળખે જ નહિ, અથવા તો આપણે તેમના માટે કોઈ અન્ય સામાન્ય વ્યક્તિ હોઈએ તેવો વ્યવહાર કરે તો આપણા મોઢામાંથી નીકળી જાય: આપ તો ઐસે ના થે. વિચારો વ્યક્તિના સંજોગો બદલાતા જ વ્યક્તિનું વર્તન પણ કેવું બદલાઈ ગયું? આવું તમારી સાથે પણ ક્યારેક થયું હશે તો તે ઘટના દુઃખદાયક રહી હશે.

કહેવાય છે ને કે સમય બધું જ બદલી નાખે છે. તે દુઃખને દૂર પણ કરે છે અને સુખના સપના પણ તોડે છે. કોઈનું જીવન હંમેશા સુખી રહેતું નથી તેવી જ રીતે સૌનું જીવન હંમેશા દુઃખી પણ ન હોઈ શકે. સમય જરૂર બદલાય છે અને તેની સાથે આપણી પરિસ્થિતિ અને સંજોગો પણ પરિવર્તન પામે છે. વ્યક્તિ પણ પોતાના સમય અને સંજોગો અનુસાર બદલાતી જ હોય છે. ક્યારેક તેની મજબૂરી હોય છે તો ક્યારેક તે સફળતાનાં મદમાં ભાન ભૂલી જાય છે. કોઈ કોઈ વ્યક્તિ તો દુઃખમાં પણ એટલા બદલાય છે કે તેમના વિષે કહેવું પડે કે આપ તો ઐસે ના થે. માનો કે એ મિત્ર કે જે સુપર મોડેલ જેવી સુંદરીને તમારી સમક્ષ પોતાની પ્રેમિકા તરીકે પ્રસ્તુત કરે તેનું છ મહિના બાદ બ્રેકઅપ થઇ જાય અને પછી તે એટલો તો દુઃખી થાય કે ભગ્નહૃદયની વ્યથાને સહેવા માટે દારૂની લતે ચડે જાય. ન તો તેને પોતાનું ભાન હોય કે ન પરિવારની જવાબદારી. તે નોકરી પણ છોડી દે અને મિત્રોને મળવાનું પણ. આવી રીતે દેવદાસથી પણ બદતર સ્થિતિમાં ગરકાવ થયેલા મિત્રને જુઓ તો તમે કહોને કે આપ તો આઇસે ના થે? પરંતુ થાય શું? તેની પરિસ્થિતિએ એવો તો વળાંક લીધો કે તેની પાસે કદાચ દુઃખ સહેવા માટે આના સિવાય બીજો કોઈ આસાન તરીકો નહોતો.

જીવન પરિવર્તનનું નામ છે. તેમાં ઉતાર ચડાવ આવતા રહે છે. હંમેશા આપણે જેવા હોઈએ તેવા જ રહેતા નથી. આપણે પણ ક્યારેક બદલાવું પડે છે અને શક્ય છે એટલા બદલાવું પડે કે કોઈ આપણને પણ કહે કે આપ તો ઐસે ના થે! અને જો કોઈ તમને એવું કહે તો એકવાર જરૂર વિચારજો કે એવા તો ક્યાં બદલાવ તમારા જીવનમાં કે વર્તનમાં આવ્યા છે કે લોકોએ તમને કહેવું પડ્યું – આપ તો આપશે ના થે. જો આ બદલાવ સકારાત્મક હોય તો તો વાંધો નહિ પરંતુ નકારાત્મક કે અનિચ્છનીય હોય તો જરૂર ચેતી જજો અને ફરીથી પોતાની જાતને સુધારવાની કોશિશ કરજો.