કુત્તે ફિલ્મમાં એક દ્રશ્ય છે જેમાં તબ્બુ તેના મિત્ર આશિષ વિદ્યાર્થીને એક જોક સંભળાવે છે. નદીના બે કિનારે વીંછીનું એક પ્રેમી યુગલ છે. એક કિનારે નર વીંછી અને વીજ કિનારે માદા. બંનેને મળવાની આતુરતા છે પરંતુ નદી ઓળંગીને જઈ શકાય તેમ નથી. આવી વિરહની સ્થિતિમાં નર વીંછીને એક દેડકો દેખાય છે જેને તે વિનંતી કરે છે કે તેને સામે કિનારે તેની પ્રેમિકાને મળવા લઇ જાય.
‘વીંછીનો વિશ્વાસ હું કેવી રીતે કરું? તું મને ડંખ મારીશ અને હું મરી જઈશ.’ દેડકાએ કહ્યું.
‘અરે કેવી વાત કરે છે. જો તને હું ડંખ મારીશ તો હું પોતે પણ નદીમાં ડૂબી જઈશ. એવું બિન તાર્કિક કામ હું કેવી રીતે કરી શકું?’ વીંછીએ દેડકાને સમજાવતા કહ્યું.
આ વાત દેડકાના મગજમાં બેસી ગઈ. તેને લાગ્યું કે વાત તો ખરી છે. વીંછીની વિરહાગ્નિ પર દયા ખાઈને દેડકાએ તેને પોતાની પીઠ પર બેસાડી નદી પર કરવાનું કબુલ કર્યું. દેડકો નર વીંછીને પોતાની પીઠ પર લઈને નદી પાર કરાવી રહ્યો હતો. બંને નદીની માધ્યમ પહોંચ્યા હશે કે દેડકાને ભયાનક દર્દનો અહેસાસ થયો. તેને સમજાઈ ગયું કે વીંછીએ ડંખ માર્યો છે. દેડકાએ મરતા મરતા પૂછ્યું, ‘ભાઈ આ રીતે મને ડંખ મારવાનો શું તર્ક થયો? તને શું ફાયદો થયો આમાં?’
વીંછી જવાબ આપતા કહે છે કે ‘તર્ક બાર્ક છોડ, ડંખ મારવો તો મારો સ્વભાવ છે.’
આ સ્વભાવ, કેરેક્ટરની વાત આપણા માટે ખુબ મહત્ત્વની છે. એટલા માટે નહિ કે આપણે ખરાબ લોકોની સંગતથી બચવાનો ઉપદેશ મળે છે વગેરે વગેરે. તે તો આપણને અનેક વાર્તાઓ અને દંતકથાઓથી બાળપણથી મળતો રહ્યો છે. અહીં વાત એ છે કે આપણે પોતે પણ ઘણીવાર પોતાના જ સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન નોતરતા હોઈએ છીએ. વાત અહીં દેડકાના પરિપ્રેક્ષ્ય નહિ પરંતુ વીંછીના પોઇન્ટ ઓફ વ્યુથી સમજવા જેવી છે. તેણે પોતાના સ્વભાવને વશ થઈને પોતાનો જ જીવ લઇ લીધો, નદીમાં ડૂબીને. શું આપણે પોતે પણ ક્યારેક એવું પગલું ઉઠાવીએ છીએ કે જે તદ્દન જ વિનતાર્કિક હોય, લોજીક વિનાનું હોય અને તેનાથી આપણું પોતાનું જ નુકશાન થતું હોય.
ક્યારેક ગુસ્સા વાળી વ્યક્તિ પોતાના સ્વભાવને વશ થઈને તો ક્યારેક લાલચી વ્યક્તિ પોતાના કેરેક્ટરને આધીન થઈને એવા પગલાં ઉઠાવી લે છે કે જેનાથી તે પોતાનું તુરંત કે લાંબાગાળાનું નુકશાન નોતરી દે. આવું કરતી વખતે તેને ભાન હોતું નથી કે તે શું પગલું ભરી રહી છે. તમે લાલચી વ્યક્તિની વાર્તા સાંભળી હશે જેણે સોનાના ઈંડા આપનારી મુરઘીને કાપી નાખીશું તો એક સાથે સોનુ મળી જશે તેવું વિચારીને પોતાની લાલચને વશ થઈને હંમેશને માટે સોનાના ઈંડાની આવક ગુમાવી. વાસ્તવમાં આપણે જયારે પોતાના સ્વભાવના ગુલામ થઈને કોઈ ક્રિયા કરવાનો ઈરાદો સેવીએ છીએ તે સમયે જો માત્ર દેડકાનું નુકશાન કરવાના વિચારને, બીજાને ડંખ મારવાના સ્વભાવને વશ થઈને કઈ જ કરીએ તો તેમાં આપણે પોતાને પણ ડૂબવાનું થાય. તેના કરતા આવી વૃત્તિ જાગે ત્યારે જો એક ક્ષણ થોભી જઈને અને પોતાના નિર્ણયનું શું પરિણામ આવશે તેના અંગે વિચારી લઈએ તો કદાચ આવા નુકશાનથી બચી જવાય.
સ્વભાવને બદલવો, કેરેક્ટર ચેન્જ કરવું એટલું સહેલું નથી પરંતુ તેને વશ થઈને કરવામાં આવતી ક્રિયાઓ કે આપવામાં આવતી પ્રતિક્રિયાઓને જો એક ક્ષણ માટે અટકાવી શકાય અને તેના અંગે વિચાર કરી શકાય તો શક્ય છે કે આપણે પોતાનો નિર્ણય બદલી નાખીએ. ધીમે ધીમે આપણી આવી પ્રતિક્રિયાત્મક વૃત્તિને નિયંત્રણમાં લાવી શકીએ અને તેનાથી થતા નુકશાનથી બચી શકીએ. આવી રીતે પોતાના વિચારોને ધીમે ધીમે બદલતા જઈએ તો સ્વભાવ પણ સમય જતા બદલી જાય. કોઈના જીવનમાં તો અચાનક પરિવર્તન આવી જાય – જેમ કે વળ્યાં લૂંટારાને નારદ મુનિ મળ્યા તો તે ઋષિ વાલ્મિકી બની ગયો – અને તેનો સ્વભાવ છોડીને તે સુધારી જાય. પરંતુ તેવું ન બની શકે તો આપણે ધીમે ધીમે જાતે જ પોતાના વિચારો પર નિયંત્રણ કરવાની શરૂઆત કરી શકીએ. તો હવે પછી ક્યારેય પણ પ્રતિક્રિયા આપતા પહેલા વીંછીના પરિપ્રેક્ષ્યથી પણ વિચારી જોજો. બીજાના સ્વભાવને કારણે થતા નુકસાનથી બચવાની સાથે સાથે પોતાના સ્વભાવને કારણે શક્ય હાનિથી પણ બચી જશો.