તમે પોતાની આંતરિક ઓળખ જાણો છો?

પોતાની આંતરિક ઓળખ સાથે રહેવાનું સુખ અને આનંદ અનેરો અનુભવ છે. આપણે જીવનમાં અનેક પ્રયોગો કરીએ. પ્રવાસ કરીએ, ખતરનાક અખતરાઓ કરીએ, પરંતુ તે સૌથી વધારે સુખદ અનુભવ આપણને થાય છે પોતાની આંતરિક ઓળખના સાથથી. જ્યાં સુધી એવો સાથ ન મળે ત્યાં સુધીની આખી સફર માત્ર એક શોધ જ બની રહે છે. લોકો જીવનભર દોડધામ કરીને આખરે એક વિસામો ખોળતા હોય છે. મોટા મોટા યુદ્ધો લડીને સમ્રાટ અશોક આખરે બુદ્ધમ શરણં ગચ્છામી કહીને શાંત થયો. તેની સત્તા લાલસા અને તેની યુદ્ધ ઝંખના શમી ગઈ. તેને અહેસાસ થયો કે બુદ્ધનો, બુધ્ધદર્શનનો સાથ જ તેનો આખરી પડાવ છે. આપણા જીવનમાં પણ આવો એક સુખદ પડાવ આવતો હોય છે – તે વ્યક્તિનો હોઈ શકે, કલાનો હોઈ શકે, સ્થાનનો કે પછી વિચારનો હોઈ શકે.

યુવાનીમાં સફળતાની ઝંખના સાથે પોતાનું સ્ટાર્ટ અપ શરુ કરીને યોગેશ દિવસ રાત તેને માર્કેટમાં ટકાવી રાખવા પ્રયત્નરત રહ્યો. તેમાં જયારે સફળ થઇ ગયો ત્યાર પછી તેને બીજા કરતા વધારે ચડિયાતું બનાવવા, તેમાંથી એક્ઝીટ લઈને બીજું નવું સ્ટાર્ટ અપ શરુ કરવા, પોતાની નામના અને ધનસંપત્તિ વધારવા તેણે જીવનના પચીસ વર્ષ આપ્યા. પચાસેક સુધી પહોંચતા પહોંચતા તે થાક્યો. ઈચ્છેલું બધું જ હોવા છતાંય કૈંક ખૂટે છે તેવો અહેસાસ થતા તે પોતાની આંતરિક શાંતિની શોધમાં નીકળ્યો. મનગમતી યુવતી સાથે લગ્ન થયા હતા, બે સુંદર અને તેજસ્વી બાળકો હતા. સારા શહેરમાં મોટું મકાન અને મોંઘી ગાડીઓ હતી. તેમ છતાંય અત્યાર સુધીની તેની રેસ મિથ્યા લાગવા લાગી. બધા જ પ્રયત્નો દિશાહીન અનુભવાયા. પોતે જે શોધી રહ્યો હતો તે વ્યવસાયમાં નહોતું, પરિવારમાં નહોતું, તેણે કમાયેલી સંપત્તિ કે ખ્યાતિમાં નહોતું. તો પછી ક્યાં હતો એ પડાવ જેના માટે હવે તેના મનમાં ઝંખના જાગી હતી?

યોગેશ જેવી સ્થિતિ કેટલાય લોકોના જીવનમાં આવે છે. બધું પામ્યા પછી પણ મન પાછું ફરે છે અને કૈંક એવું શોધવા નીકળે છે જેનો અત્યાર સુધી વિચાર જ નહોતો આવ્યો. અને આ શોધ માત્ર મેળવેલી સફળતા પ્રત્યે અણગમા અંગે નહિ, જીવનમાં કંટાળાજનક પરિસ્થિતિ અંગે નહિ, પરંતુ વાસ્તવિક આંતરિક દર્શન માટેની હોય છે. આવું આંતરિક દર્શન જાગૃત થાય ત્યારે વ્યક્તિ બીજું બધું જ હોવા છતાંય એવું કૈંક શોધવા લાગે છે જે બીજા લોકોને ન સમજાય. આખરે એવો અહેસાસ થાય છે કે તેનું વ્યક્તિત્વ તેના કપડાં નથી, તેની કોલેજની ડિગ્રી નથી, તેના પદ-પોઝિશન નથી, તેની ગાડી કે તેનું મકાન નથી, પરંતુ તે સૌથી પરે કઈંક અલગ જ છે જે તેને વ્યાખ્યાયિત કરે છે. આ વ્યાખ્યા સૌને સમજમાં ન પણ આવે. સૌને સમજાવવાની આવશ્યકતા પણ નથી. ક્યારેક તો પોતાને પણ એ બાબત સ્પષ્ટ ન થાય કે શોધ શેની છે – પરંતુ એટલો અહેસાસ થાય કે કઈંક એવું છે જે પામવાનું ચૂકાઈ ગયું છે.

આવી શોધ પછી વ્યક્તિ જયારે પોતાની આંતરખોજ દ્વારા પોતાના જીવનનો એ પડાવ, એ વિસામો શોધી કાઢે કે જ્યાં તેને બેસવું ગમે, ત્યાં રહેવું ગમે, તે વ્યક્તિ કે તે સ્થાન તેને શાંતિ આપે, ત્યારે જ તેને જીવનની સાચી આહલાદકતા અનુભવાય છે. ત્યારબાદ જ તે માણસ પોતાની આંતરિક ઓળખ સાથે તાદાત્મ્ય સાધી શકે છે. પરંતુ ઘણીવાર આ આંતરિક ઓળખ અને બાહ્ય ઓળખ વચ્ચે તાલમેલ બેસાડવો આસાન નથી હોતો. બહાર એટલો ઘોંઘાટ હોય છે, એટલી ચમકદમક હોય છે, એટલી ખેંચતાણ હોય છે કે તેમાં આપણને પોતાની અંદરના મૃદુ અવાજ સંભળાતા નથી. પોતાની એ નાજુક ઓળખ વર્તાતી નથી. તેને આપણે દબાવી દઈએ છીએ. તેને ભુલાવી દઈએ છીએ. અને અફસોસની વાત તો એ છે કે તે બળવો પોકારીને પોતાનું અસ્તિત્વ વ્યક્ત કરતી નથી. પરિણામે કેટલાય લોકો આખું જીવન તેને પિછાન્યા વિના જ વિતાવી દે છે. શું તમે પોતાની આંતરિક ઓળખને જાણો છો?