યુકેમાં બેટિંગ – જુગાર પર કાયદાકીય પ્રતિબંધ નથી. અહીં કસીનો, લોટરી, સ્પોર્ટ્સ ગેમ્બલિંગ અને બીજા કેટલાય પ્રકારના જુગાર ચાલે છે અને ઘણા લોકો તેમાં રસ પણ લેતા હોય છે. પરંતુ આવા જુગારખાનાઓમાં લાઇસન્સ હોવા જરૂરી છે અને તેમાં અમુક ઉંમરથી નાના બાળકો જુગાર ન રમી શકે તેવા નિયમો છે. બાળકોએ તો જુગાર રમવું જ ન જોઈએ તેવી માન્યતા ના આધારે આવી દુકાનો ચલાવનારા લોકો પર કાયદાકીય જવાબદારી મુકવામાં આવે છે કે તેમને જુગાર રમવાની અનુમતિ ના આપે. તેમાં ભૂલચૂક થાય તો તેમનું લાઇસન્સ જપ્ત થઇ શકે. થોડા દિવસ પહેલા જ એક પબમાં રાખેલા મશીનમાં અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકને જુગાર રમવાની પરવાનગી આપવા માટે લાઇસન્સ જપ્ત કરવામાં આવ્યું હતું. બાળકની પાસે ઉંમરનો પુરાવો માંગ્યા વિના તેને રમવાની અનુમતિ આપી તેને કારણે તે પબનું લાઇસન્સ રદ કરાયું. અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિ છે કે નહિ તે નિશ્ચિત કરવું જુગારખાનાની ફરજ છે.

બાળકોના રક્ષણ માટે કાયદાઓ ખુબ સખત છે. શાળામાં પણ બાળકોને શિક્ષક ઠપકો ના આપે કે માર ના મારે તેનું ધ્યાન રાખવામાં આવે છે. નવજાત શિશુનું ધ્યાન યોગ્ય રીતે રાખવામાં આવે છે કે કેમ તે ચકાસવા ઘરે નર્સ આવે છે. માતાને બાળકની દેખરેખ રાખવા અંગે માર્ગદર્શન આપે છે. અને જો કોઈ મહિલા પોતાના બાળક પ્રત્યે બેદરકાર હોય તો દંડ પણ કરે છે. અમુક ઉંમરથી નાના બાળકને ઘર પર એકલા છોડી શકતા નથી. તેમની સાથે પુખ્ત વયના વ્યક્તિનું હોવું જરૂરી છે. આવા નિયમનું ઉલ્લંઘન કરવાથી માતાપિતાને જેલ પણ થઇ શકે છે. એક માતા પોતાના બાર વર્ષથી નીચેના બાળકને એકલો ઘરે છોડીને જતી રહેલી તો તેના પર પચીસ હજાર પાઉન્ડનો દંડ થયો. આવી માતબર રકમનો દંડ કરવાનું કારણ એ છે કે એકને જોઈને બીજા ડરી જાય અને નિયમોનું પાલન સખત રીતે કરાવી શકાય.

બાળકો અંગે જાગૃત રહેવું અને તેમને ભવિષ્યના ઘડવૈયા ગણીને તેમનું યોગ્ય જતન કરવું દરેક સોસાયટી માટે આવશ્યક છે. યુકે આ બાબત અંગે ખુબ ચીવટ રાખે છે. પરંતુ એક ખામી ત્યાં રહી જાય છે જ્યાં માં-બાપ બાળકોને સખત ઠપકો આપવાનો હક ધરાવતા નથી અને એટલા માટે ક્યારેક બાળકો સ્વચ્છંદી બની જાય છે અથવા તો ખોટા રસ્તે ચડી જાય છે. નશો કરતા કિશોરો કે કિશોરીઓ આવી ઢીલી વ્યવસ્થાનું પરિણામ જ ગણાવી શકાય ને?

સખ્તાઈ અને છૂટછાટ વચ્ચે ક્યાં સમતુલા જાળવવી તે સમજવું પણ જરૂરી છે. આપણે ત્યાં બાળકોને માતા-પિતાની ઈચ્છા પ્રમાણે અને શિક્ષકની આજ્ઞા પ્રમાણે રહેવાનું શીખવવામાં આવે છે અને તે પરંપરામાં આપણે બાળકની ઈચ્છા જાણવાનું ચુકી જઈએ છીએ. તેનાથી ઉલટું અહીં યુકેમાં બનતું જણાય છે. બંને સમાજ વિકાસના અલગ અલગ તબક્કે હોવાનું આ પરિણામ છે. 

Don’t miss new articles

2 thoughts on “બાળકની દેખરેખ – યુકે અને ભારત

  1. દરેક જગ્યાએ સમતુલા જળવાઇ રહે તે જરુરી છે. આપ શ્રીએ કહ્યું તેમ જો વધારે આળપંપાળ કરવાથી બાળકો હાથથી બહાર નીકળી જાય તો તે પણ ખોટું છે. જેમ મા-બાપને કાયદાનો ડર હોય એમ બાળકોને પણ વડીલોની આજ્ઞામાં રહેતા પણ શીખવવું પડે.
    ભારતમાં હજુ આ ક્ષેત્રે ઘણે લાંબે જવાનું બાકી છે. થોડીઘણી ચર્ચા પણ શરૂ થઇ છે. બાળક પર હાથ ઉપાડવાનો સખત વિરોધી છું અને એક બાપ તરીકે કહું તો દરેક બાળકને હુંફ અને પ્રેમાળ વાતાવરણમાં જ ઉછેરવા જોઇએ. પણ હું એ નહી ઇચ્છું કે બાળકને જરુરથી વધારે પંપાળવામાં આવે. તેને મા-બાપ, પરિવાર, સમાજ અને શિક્ષકોનું માન જાળવતા પણ શીખવવું પડે. આઝાદી સાથે સંસ્કાર અને સંયમ પણ જરુરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *