વિકાસે તેના મિત્ર વરુણને ફોન કરીને દશ હજાર ઉધાર માંગ્યા. તેને સ્કૂટર લેવામાં ખૂટતા હતા. વરુણે વ્યવસ્થા કરી જોઈ તો પાંચ હજાર થઇ શક્યા અને વિકાસના એકાઉન્ટમાં જમા કરાવ્યા. વિકાસે તે પાંચ હજારનો ઉપયોગ સ્કૂટર લેવામાં કર્યો. પોતાની પત્ની સાથે વાત કરતા વિકાસે કહ્યું, ‘આજકાલ મિત્રો કામમાં આવે એવા રહ્યા નથી. પહેલા જેવી મિત્રતા હવે ન મળે. દશ હજાર માંગ્યા તો પાંચ આપ્યા. આમાં આપણે કોના પર આશા રાખવી? આજે કોઈ કોઈનું રહ્યું નથી.’
તેની પત્નીએ વિકાસને કહ્યું, ‘તમને તેણે પાંચ હજાર આપ્યા તે ન દેખાયું? તેનો ઉપયોગ કરીને જ તમે સ્કૂટર ખરીદ્યું ને? જે આપ્યું તેના માટે આભાર માનવાને બદલે તમે તેની બુરાઈ કરવા બેઠા?’
વિકાસની પત્નીની વાત સાચી છે. વરુણે જે આપ્યું તેના માટે આભાર માનવાને બદલે વિકાસે મિત્રની નિયત અંગે પ્રશ્ન કરવાનું શરુ કર્યું. વરુણે કેમ કરીને પાંચ હજાર આપ્યા હશે તેનો વિચાર ન કર્યો. પોતાને તે કેટલા ઉપયોગમાં આવ્યા તેની કદર પણ ન કરી. જો કઈ કહ્યું તો એ કહ્યું કે દશ કેમ ન આપ્યા.
જરૂરી નથી કે આપણા મિત્ર કે સગા-સંબંધી આપણી ઈચ્છાઓ પુરી કરી. તેઓ આપણી મદદ કરવા માટે બંધાયેલા નથી. તેઓ કઈ કરે તો તેમનો આભાર માનવો જોઈએ, કૃતજ્ઞતા દાખવવી જોઈએ. કોઈએ આપણા માટે કઈ કર્યું હોય તેને માટે આભારી થવાને બદલે જે ન કર્યું તેની ફરિયાદ કરીએ તે કૃતઘ્નતા કહેવાય, ઉપકાર માનવાને બદલે આપણે અપકારી થયા કહેવાઈએ. તેવી વૃત્તિ ટાળવી જોઈએ. જયારે કોઈ આપણી મદદ કરે ત્યારે તે પોતાનો સમય અને લાગણી આપણા ઉપર વાપરે છે અને તેમાં પણ જો ખામીઓ કાઢીએ, અપૂરતું કર્યાની ફરિયાદ કરીએ તો તેમાં આપણી જ ખામી ગણાય.
આ વર્ષ દરમિયાન આપણે બધાએ ખુબ ભોગવ્યું છે અને કેટલાય લોકોને આર્થિક નુકસાન પણ થયું છે. કેટલાય લોકોએ પોતાની નોકરી ગુમાવી, કેટલાય લોકો રોગનો ભોગ પણ બન્યા અને કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા. પરંતુ જેને આર્થિક નુકસાન થયું તેને એ વિચારવું રહ્યું કે તેઓનું આરોગ્ય તો જળવાઈ રહ્યું. જેમને બીમારી પણ લાગી તેઓએ એવું વિચારવું રહ્યું કે તેઓ જીવતા તો રહ્યા. આ રીતે સૌએ પોતપોતાની રીતે કૃતજ્ઞ થવાની જરૂર છે.
આ વર્ષ આપણા માટે કૃતજ્ઞતાનું વર્ષ બની રહ્યું છે. જીવનમાં જે કઈ સારું સારું મળ્યું હોય તેના માટે વ્યક્તિ કૃતજ્ઞતા કેળવે એ જરૂરી છે. જે નથી મળ્યું તેના માટે મહેનત કરવી અને સફળતા માટે પ્રયત્ન કરવા જરૂરી છે અને સાથે સાથે જે કઈ મળ્યું છે તેને માટે ગ્રેટિટયૂડ – કૃતજ્ઞતા, આભારની ભાવના પણ હોવી જોઈએ.
વર્ષના અંતે આપણે ગ્રેટિટયૂડ જર્નલ – કૃતજ્ઞતાની યાદી બનાવવી જોઈએ અને તેમાં આપણે પોતે વર્ષ દરમિયાન શું મેળવ્યું, કેટલી પ્રગતિ કરી, કેવી રીતે કોઈની મદદ આપણને મળે તેના અંગે વિસ્તૃત નોંધ કરીને મનોમન તેનો આભાર માનવો જોઈએ. દરેક વ્યક્તિની પોતાની જીવનની કૃતજ્ઞતાની યાદી અલગ હોઈ શકે. પરંતુ જેના માટે સૌએ આભારી થવાની જરૂર છે તેવી કેટલીક બાબતો પણ યાદ કરવા જેવી છે. આપણા એવા સંબંધીઓ કે મિત્રો કે જેમણે વર્ષ દરમિયાન આપણી કોઈ રીતે મદદ કરી હોય તેમનું નામ અને મદદનો પ્રકાર આપણે નોંધવો જોઈએ. આપણી કારકિર્દીમાં કોઈ પ્રગતિ થઇ હોય તો તેમાં જેમણે ભાગ ભજવ્યો હોય તેમનો પણ આભાર માનવો જોઈએ. આપણી આસપાસ બનેલી દરેક સારી ઘટનાઓ માટે આપણે કૃતજ્ઞતા બતાવવાની જરૂર છે. સમાજના એવા લોકો જેમણે સારા કાર્યો કર્યા અને આપણા જીવનને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બહેતર બનાવ્યું, ઉત્તમ બનાવ્યું તેમને પણ યાદ કરવા જોઈએ. આખરે જીવતા હોવાની કૃતજ્ઞતા સૌથી વધારે હોવી જોઈએ. જીવતા હોઈશું તો જે નથી મળ્યું તે પણ મેળવી શકાશે અને જે ઈચ્છાઓ છે તેણે પુરી કરવા મહેનત કરી શકાશે. કૃતજ્ઞતાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી આપણે જીવનની સકારાત્મકતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ નાસીપાસ કરનારી બાબતોને બાજુ પર મૂકી દઈએ છીએ. એવો સકારાત્મક અભિગમ આપણને આંતરિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂત બનાવે છે.
કૃતજ્ઞતાની એક કવિતા
આભાર માનો કે જેની ઇચ્છા છે તે તમારી પાસે પહેલેથી જ નથી,
જો હોત તો આગળ જોવાની શું જરૂર હતી?
જ્યારે તમે કંઇક જાણતા નથી ત્યારે આભારી બનો,
કારણ કે તે તમને શીખવાની તક આપે છે.
મુશ્કેલ સમય માટે આભારી બનો,
તે સમય દરમ્યાન તમે આગળ વધશો.
તમારી મર્યાદાઓ માટે આભારી બનો,
કારણ કે તે તમને સુધારવાની તકો આપે છે.
દરેક નવા પડકાર માટે આભારી બનો,
કારણ કે તે તમારી શક્તિ અને પાત્રતા વધારશે.
તમારી ભૂલો માટે આભારી બનો.
તે તમને મૂલ્યવાન પાઠ શીખવશે.
સારી વસ્તુઓ માટે આભારી રહેવું સરળ છે.
સમૃદ્ધ પરિપૂર્ણ જીવન તેમને મળે છે જેઓ
આંચકા માટે પણ આભારી છે.
કૃતજ્ઞતા નકારાત્મકને સકારાત્મકમાં ફેરવી શકે છે.
તમારી મુશ્કેલીઓ માટે આભારી બનવાનો માર્ગ શોધો,
તે તમારા આશીર્વાદ બની શકે છે.
~ અજ્ઞાત