નૈરોબીમાં યુનાઇટેડ નેશન્સ – સંયુક્ત રાષ્ટ્રો – નું મથક આવેલું છે. અહીં યુનાઇટેડ નેશન્સ એન્વાયરોન્મેન્ટ પ્રોગ્રામ (યુનેપ) અને યુનાઇટેડ નેશન્સ હેબીટાટના મુખ્ય મથક છે તેમજ બીજી કેટલીય એજન્સીના આફ્રિકા હેડક્વાર્ટર્સ છે. ૨૧-૨૪ ફેબ્રુઆરી દરમિયાન અહીં યુએનની નિયમિત કાર્યવાહી ઉપરાંત એક ખુબ મહત્ત્વપૂર્ણ આયોજન પણ થયું: EAMUN – એટલે કે ઇસ્ટ આફ્રિકા મોડેલ યુનાઇટેડ નેશન્સ. આ એવી કોન્સફન્સ છે જે માત્ર હાઈસ્કૂલના બાળકો દ્વારા અને તેમના માટે જ આયોજિત થાય છે. પૂર્વ આફ્રિકાના કેટલાય દેશોમાંથી લગભગ ૯૦૦ જેટલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અહીં ચાર દિવસ માટે ઉપસ્થિત રહ્યા. તે ચાર દિવસ દરમિયાન દરરોજ યુનાઇટેડ નેશન્સના મોડેલ પર આધારિત પ્રવૃતિઓનું આયોજન થયું. તીર્થ પટેલ, રામ ગુરુરાજન, નગંગા ગીતાઉ અને અમાન્ડા કરવાલહો નામના વિદ્યાર્થીઓ આ વર્ષના EAMUN ના મુખ્ય આયોજકો અને સંચાલકો હતા.

EAMUN નું આયોજન આમ તો દર વર્ષે થાય છે પરંતુ કોવિડને કારણે ત્રણ વર્ષનો અંતરાલ પડ્યો હતો. આ વર્ષે ફરીથી યુએનના નૈરોબી કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મોડેલ યુએનનું આયોજન કરીને અનેક ખુબ સરસ અનુભવ મેળવ્યો. તેમાં શરૂઆતથી લઈને અંત સુધી દરેક પ્રક્રિયા માત્ર વિદ્યાર્થીઓ દ્વારા જ આયોજિત અને અમલી થાય છે. યુએનના અલગ અલગ અંગ – જેમ કે સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ વગેરેની રચના થાય છે. ભાગ લેનારા વિદ્યાર્થીઓને અલગ અલગ દેશના પ્રતિનિધિનો રોલ આપવામાં આવે છે અને તેઓ અલગ અલગ મિટિંગમાં ભાગ લે છે. તેમને વિદ્યાર્થી નહિ પરંતુ પ્રતિનિધિ – ડીલિગેટ્સ કહેવાય છે. તેમના કેટલાક શિક્ષકો હાજર હોય છે પરંતુ તેમનો રોલ માત્ર સલાહકાર તરીકેનો હોય છે.

ચાર દિવસ સુધી એક પછી એક સેશન યોજવામાં આવે છે. એક સાથે અલગ અલગ રૂમમાં અલગ અલગ સેશન્સ ચાલતા હોય છે. કોઈ જગ્યાએ વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ પર ચર્ચા ચાલતી હોય છે તો ક્યાંક ગરીબી અને દુષ્કાળ પર ચર્ચા વિચારણા ચાલે છે. ઉપસ્થિત યુવાન પ્રતિનિધિઓ અલગ અલગ દેશના ડિપ્લોમેટ હોય તે પ્રમાણે તૈયારી કરે છે અને પોતાના મંતવ્યો રજુ કરે છે. આ કામ જરાય સહેલું નથી. દરેક વિદ્યાર્થીને કોઈ દેશના પ્રતિનિધિ તરીકેની ભૂમિકા નિભાવવા ખુબ અભ્યાસ અને સંશોધન કરવા પડે છે. જે તે દેશની યુએનમાં શું નીતિ છે અને તેના પ્રતિનિધિઓ વાસ્તવિક રીતે યુએનમાં કેવી રીતે પોતાના મંતવ્યો રજુ કરે છે તેનો અભ્યાસ કર્યા બાદ જ તેઓ આ ભૂમિકા નિભાવી શકે છે તે તો સ્પષ્ટ છે.

ચાર દિવસ પૈકી પહેલા ત્રણ દિવસ સુધી પહેલું સત્ર સામાન્ય સત્ર હોય છે જેમાં ૯૦૦ જેટલા બધા જ પ્રતિનિધિઓ હાજર હોય છે. આ સત્ર માટે EAMUN ના આયોજકો રોજ એક પ્રતિષ્ઠિત વક્તાને આમંત્રિત કરે છે. ત્રીજા અને આખરી દિવસના સામાન્ય સત્રના રોજ EAMUN દ્વારા મને આમંત્રણ મળેલું. યુવાન, તેજસ્વી, આસપાસના અનેક દેશોમાંથી આવેલા અનેક ભાષા બોલતા, વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા, અનેક ધર્મ, રંગ, જાતિના લોકોને સંબોધિત કરવાની આ તક વાસ્તવમાં એક સારો લ્હાવો હતો. તેમની ઉત્સુકતા અને શીખવાની ધગસ, તેમનું વિચારશીલ અને તેજસ્વી માનસ તેમજ ભવિષ્યલક્ષી અભિગમને કારણે તેમના મનમાં સારા વિચારોનું સિંચન કરવાની આ ઉત્તમ તક મેં સ્વીકારી અને આપવામાં આવેલા વિષય પર નિર્ધારિત સમય મર્યાદામાં મારા વિચારો રજુ કરેલા.

આ વર્ષના EAMUN માટે નિર્ધારિત વિષય હતો – ઉબુન્ટુ જેનો અર્થ થાય છે હું છું કેમ કે સૌ છે. બીજા શબ્દોમાં કહીએ તો પોતાનું અસ્તિત્વ સમાજના અન્ય લોકોને આભારી છે તેવી ભાવના આ આફ્રિકન ફિલોસોફી ઉબુન્ટુમાં સમાયેલી છે. આ વિષય પર બોલતા મેં તેમને વસુધૈવ કુટુંમ્બક્મની સંકલ્પના તેમજ તેના સંદર્ભમાં ગાંધીદર્શનથી વાકેફ કરાવ્યા. વિશ્વ કોવિડની સ્થિતિમાંથી ઉભરી રહ્યું છે તેના ઉપલક્ષમાં કેવી રીતે માનવજાતે એકબીજાને મદદરૂપ બનવાની કોશિશ કરવી જોઈએ તેના પર યુવાનોનું ધ્યાન દોર્યું. આબોહવા પરિવર્તન જેવા ખાતરનો સામનો કરવા આપણી સૌની શું ફરજ છે તે વિષે સમજાવીને સસ્ટેઇનેબિલિટી અંગે મારા વિચારો રજુ કર્યા. જો વિશ્વ માટે કઈંક કરવું હશે તે તેઓએ પોતાનું ભવિષ્ય પણ સુરક્ષિત કરવું પડશે તે સમજાવીને તેમને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન પણ કર્યો. જે રીતે અપેક્ષા હતી તે પ્રમાણે આ કિશોર પ્રતિનિધઓ દ્વારા મારા સંદેશને ખુબ સારો પ્રતિભાવ મળ્યો તે વાતનો આનંદ છે.

Don’t miss new articles