પાઉલો કોએલ્હો તેમની વિશ્વપ્રખ્યાત નોવેલ ‘ધ અલ્કેમીસ્ટ’માં લખે છે કે “The secret of life, though, is to fall seven times and to get up eight times.” એટલે કે જીવનનું રહસ્ય એ છે કે સાતવાર પડો (તો પણ) અને આઠમી વખત ઉઠો.’ જીવનનો અર્થ જ સાતત્ય છે, પ્રયત્ન છે. સાતત્ય અને પ્રયત્ન વિના જીવન થંભી જાય. શ્વાસ લેવામાં સાતત્ય છે, એક પ્રયત્ન પણ છે. જો શ્વાસનું સાતત્ય ન હોય તો જીવન કેમ જીવન. હૃદયના ધબડકવાનું સાતત્ય ન હોય તો કેવી રીતે આપણું અસ્તિત્વ ટકે? શરીરની દરેક ક્રિયાઓનું અમુક સમયે પુનરાવર્તન થતું રહે છે. જો તે ન થાય તો જીવન જ ન રહે.

આ દરેક ક્રિયા કોઈને કોઈ પ્રયત્નથી થાય છે. ભલે પછી તે પ્રયત્ન આપણા સક્રિય ધ્યાન આપ્યા વિના થઇ રહ્યો હોય. જે વ્યક્તિ પ્રયત્ન છોડી દે છે તે જીવનને થંભાવી દે છે. ભલે પછી તેના શ્વાસ ચાલતા હોય, ભલે પછી તેનું હૃદય ધબકતું હોય, પરંતુ તેના વિચારોમાં અને કાર્યોમાં શિથિલતા આવી જાય છે. એટલા માટે જ સતત પ્રયત્નશીલ રહેવું આવશ્યક છે. આ પ્રયત્ન કરતા કરતા જો ક્યારેક નિષ્ફળતા મળે, જમીનદોસ્ત થવું પડે તો પણ તેમાં ધન્યતા છે. આવી રીતે અનેકવાર પડ્યા પછી પણ જે વ્યક્તિ ફરીથી હાથ ખંખેરીને ઉઠી જાય છે તે જીવનને ખરેખર જીવે છે. તેના જીવવામાં સાચો જુસ્સો છે. એ ઉત્સાહ વિના જીવનનું સત્વ ખોવાઈ જાય છે.

આપણા જીવનના અમૂલ્ય ઉપહારની કદર ત્યારે જ થાય જયારે આપણે ધીમે ધીમે પરંતુ મક્કમ રીતે કોઈ દિશામાં કાર્યરત રહીયે, પ્રયત્નરત રહીએ અને આવનારી અડચણોને પાર કરતા કરતા આગળ વધ્યા કરીએ. અલ કેમિસ્ટ નોવેલમાં સેન્ટિયાગો નામનો યુવાન પોતાના સપનામાં આવેલા ખજાનાને શોધવા ઇજિપ્ત જાય છે અને આ મુસાફરી દરમિયાન તે કેટલીય મુશ્કેલીમાંથી પસાર થાય છે, પ્રેમમાં પડે છે, નવા ગુરુને મળે છે, લૂંટાઈ છે અને આખરે જીવનનું સત્ય સમજે છે કે દરેક વ્યક્તિની પોતાની આગવી ખાસિયત હોય છે અને તે જ તેનો ખરો ખજાનો છે. ફરીથી તેને સપનું આવે છે કે તેણે જ્યાંથી શરૂઆત કરેલી ખરો ખજાનો તો ત્યાં જ છુપાયેલો છે. આ આખી વાર્તા પ્રેરણાદાયક છે અને જીવનોપયોગી શાણપણ શીખવે છે. આ જ નોવેલમાં ખુબ પ્રખ્યાત વાક્ય છે: જયારે તમે પુરા ખંતથી મહેનત કરો ત્યારે પુરી શ્રુષ્ટિ તેણે સત્ય કરવા માટે ષડયંત્ર કરે છે. બોલીવુડની ફિલ્મ ૐ શાંતિ ૐનો ડાઈલોગ છે – કેહ્તે હૈ અગર કિસી ચીઝકો દિલ સે ચાહો…તો પુરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લેગ જાતી હૈ.

આપણા જીવનમાં પણ ક્યારેક એવી તીવ્ર આકાંક્ષા હોય તો તેને પામવા માટે એવી મહેનત કરવી, એટલું તેને ચાહવું, તેના વિષે એટલું વિચારવું કે પુરી શ્રુષ્ટિ તેને સત્ય બનાવવામાં લાગી જાય. પરંતુ તે માટે સાતત્ય જોઈએ, પ્રયત્ન જોઈએ. માત્ર શારીરિક મહેનત જ નહિ, માનસિક અને વૈચારિક સંલગ્નતા પણ આવશ્યક છે. દિલથી તેના માટે તૈયાર હોવું, જયારે તે સપનું સાચું પડે ત્યારે કેવી રીતે તેનો સ્વીકાર કરીશું તેના માટે માનસિક તૈયારી હોવી આવશ્યક છે. રહોન્ડા બાયરન તેના પુસ્તક ‘ધ સિક્રેટ’માં આ જ રહસ્યની વાત કરે છે કે જયારે આપણે મનમાં કોઇવાત સત્ય હોવાનું ધરી લઈએ ત્યારે આપણે એવા તરંગો સૃષ્ટિમાં ફેંકીએ છીએ કે તે આખરે સત્ય બનીને જ રહે છે. લો ઓફ એટ્રેક્શન – આકર્ષણનો સિદ્ધાંત આ જ વાતનું પ્રતિપાદન કરે છે.

વૈચારિક રીતે, કાર્યરત રહીને, પ્રયત્નશીલ રહીને જે વિચાર કે ઈચ્છા માટે સાતત્ય જાળવીએ તે આખરે સાચું સાબિત થાય જ છે તે વાતમાં કોઈ શંકા નથી. જેને આપણે ગાંડાઓની માફક મહેનત કરતા જોઈએ છીએ તેને જ અમુક સમય પછી સફળ થતા પણ જોઈએ છીએ. આ વાત સૌને લાગુ પડે છે અને કોઈપણ સંજોગોમાં સત્ય છે.

Don’t miss new articles