એક રાજા હતો. તેને એક સુંદર રાણી હતી. રાજ્ય સમૃદ્ધ હતું અને ત્યાં સૌ સુખેથી રહેતા. પરંતુ રાજાને એક દુઃખ સતાવ્યા કરતુ કે તેને વારસદાર પુત્ર ન હતો. સંતાનપ્રાપ્તિની તેની ઈચ્છા ઘણા વર્ષો બાદ પણ પુરી થઇ ન હતી. એક વખત એક ઋષિમુનિ તેના રાજ્યમાં આવ્યા. તેમને રાજાની ચિંતાની જાણ થઇ એટલે પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ કરવાની સલાહ આપી. એ યજ્ઞ કરવાથી રાજા-રાણીને સંતાનપ્રાપ્તિ થઇ અને રાજ્યભરમાં ખુશીનો માહોલ છવાયો. પછી ખાધું, પીધું અને રાજ કર્યું. આવી કથાઓ આપણે બાળપણમાં સાંભળી છે. 


આધુનિક યુગમાં આવા યજ્ઞને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી સંતાનપ્રાપ્તિના પ્રયત્ન કરવામાં આવે છે. વિકી ડોનર નામની બોલીવુડની ફિલ્મ જોઈ છે? તેમાં સ્પર્મ – પુરુષના બીજ – ડોનેટ કરવાની વાત છે. હમણાં આવેલું અક્ષય કુમારનું ‘ગુડ ન્યુઝ’ પણ બાળક માટે ટેસ્ટ ટ્યુબની પ્રક્રિયા અંગે છે. ક્યારેક સરોગસી – એટલે કે કોઈનું ભ્રુણ બીજી સ્ત્રીના ગર્ભાશયમાં ઉછેરવાની પ્રક્રિયા – દ્વારા પણ બાળક પેદા કરવામાં આવે છે. આધુનિક સમયમાં સંતાનપ્રાપ્તિ માટે આ વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. પદ્ધતિઓ બદલાય, પરંતુ સંતાનપ્રાપ્તિની આકાંક્ષા આજે પણ માનવીમાં એટલી જ તીવ્ર છે. 


આવી જ એક પદ્ધતિ છે સ્ત્રીના બીજ દાન કરવાની. એગ ડોનેશન દ્વારા એક સ્ત્રીના બીજને ગર્ભાશયમાંથી અલગ કરીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મુકવામાં આવે છે. આ પદ્ધતિમાં ડોક્ટર એક સ્ત્રીના ભ્રુણમાંથી એગ કાઢીને તેને ટેસ્ટ ટ્યુબમાં વિકસાવીને બીજી સ્ત્રીના શરીરમાં મૂકે છે. તેમાં ઈન્વિટ્રો ફર્ટિલાઇઝેશન જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમ પુરુષના સ્પર્મથી બાળક ન થતું હોય તો કોઈ સ્પર્મ ડોનરના સ્પર્મથી બાળક કરી શકાય તેવી જ રીતે કોઈ સ્ત્રીના એગની કમજોરીને કારણે બાળક ન થઇ રહ્યું હોય તો એગ ડોનરના એગનો ઉપયોગ કરી શકાય છે. 


પરંતુ જેવી રીતે વિકી ડોનરમાં બતાવ્યું છે કે સ્પર્મ ડોનર પૈસા લઈને પોતાના સ્પર્મ વેચે છે તેવી જ રીતે કેટલાક દેશોમાં મહિલાઓ પૈસા લઈને પોતાના એગ વેચે છે. કોઈક દેશમાં તેને ગેરકાયદેસર ગણવામાં આવે છે. પરંતુ કેટલાક દેશોમાં તેને એગ ડોનેશન કહીને તેના માટે કમ્પૅન્સેશન આપવામાં આવે છે. તેને કમ્પૅન્સેશન કહે ત્યારે વ્યાપાર ન ગણાય. પરંતુ કોઈક દેશમાં આ વ્યાપાર એટલો પ્રોફેશનલ રીતે ચાલે છે કે યુવતીઓ પોતાના એગ વેચે છે અને પૈસા કમાય છે. મહત્વની વાત એ છે કે સ્ત્રીના શરીરમાંથી એગને જીવંત અને વિકસાવી શકાય તેવી અવસ્થામાં કાઢવું ખુબ મુશ્કેલ છે અને તેમાં સ્ત્રીએ કેટલીક દવાઓ લેવી પડે છે જે તેના શરીરની નુકશાન પહોંચાડી શકે છે. 


આ વ્યાપાર ચલાવવા ફેસબુક અને અન્ય સોશિઅલ મીડિયાનો ઉપયોગ થાય છે. એજન્ટ મહિલાઓને દવાખાને લાવે છે. તેની ઓળખ છુપી રાખવામાં આવે છે. એગ આપનારના લક્ષણો અંગે વિગતવાર લિસ્ટ બનાવાય છે. જેમાં એગ આપનારના શારીરિક લક્ષણો, તેનો રંગ, વાળનો રંગ, ઊંચાઈ, તબીબી પરીક્ષણ, એશિયાઈ છે કે યુરોપિયન કે આફ્રિકન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. એવું પણ સામે આવ્યું છે કે એશિયન કરતા યુરોપિયન સ્ત્રીના એગની કિંમત વધારે હોય છે. જે મહિલાઓ એગ આપવા તૈયાર થાય તેમને ૨૫૦૦ થી ૮૦૦૦ ડોલર જેટલું કમ્પૅન્સેશન મળી શકે છે. તેના પરથી સમજી શકાય કે જે લોકો ખરીદતા હશે તે કેટલા પૈસા આપતા હશે. ખરીદનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવે છે. 
આ રીતે ચાલતા વ્યાપારમાં દેશ વિદેશની મહિલાઓ સંકળાયેલી છે. તેઓ એગ આપવા પોતાના દેશમાંથી આવે છે અને તેના માટે ફ્લાઇટ, હોટેલ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. એગ ડોનેટ કરવાને ઘણા દેશમાં ગેરકાયદેસર માનવામાં આવે છે કેમ કે તે શરીરના માંસનો વ્યાપાર કરવા સમાન છે. વળી, સ્પર્મ ડોનેટ કરવામાં પુરુષ પર કોઈ આડઅસર થતી નથી. પરંતુ એગ ડોનેટ કરવા માટે લેવામાં આવતા ડ્રગની આડ અસરો થઇ શકે છે. પરંતુ પૈસા માટે અને ક્યારેક પોતાના દ્વારા કોઈને માતૃત્વ આપવાના સંતોષ ખાતર એગ ડોનશન થાય છે. 

આ બાબત આપણી સામે એક મહત્વનો નૈતિક પ્રશ્ન ઉભો કરે છે કે શું આ રીતે સંતતિજનનનો વ્યાપાર યોગ્ય ગણાય? શું કોઈ વ્યક્તિના એગ કે સ્પર્મ કે ગર્ભાશયનો ઉપયોગ કરીને માતા-પિતા બનવું યોગ્ય ગણાય? વિજ્ઞાનોનો ઉપયોગ કરીને કોઈને માતા-પિતા બનવાનું સુખ મળે તેમાં કઈ ખોટું છે? દલીલો બંને તરફી હોઈ શકે અને આપણે કોઈ જજમેન્ટ આપવાને બદલે માત્ર તેના પર વિચાર કરીએ એટલું ઘણું છે. 

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *